SURAT

ગરબા ગ્રાઉન્ડમાં સગર્ભા બહેનના પેટમાં લાત મારનાર બનેવીની છાતીમાં સાળાએ ચપ્પુ ઘુસાડી દીધું

સુરત(Surat) : ગરબા (Garba) ગ્રાઉન્ડમાં સગર્ભા પત્નીને (Pregnant Wife) લાફો અને પેટ પર લાત મારી સાળા સામે મારી નાંખવાની ધમકી (Threaten) આપનાર યુવક સવારે ઘરમાંથી હત્યા (Murder) કરાયેલી હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

પ્રેમિકા ને ગૂગલ પે કરી 25 હજાર આપનાર પતિ પાસે હિસાબ માંગવાને લઈ થયેલો ઝગડો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. સગર્ભા પત્નીએ કહ્યું હતું કે તેનું લફરું છે એની શંકા હતી પરંતુ ગૂગલ પે કરી પ્રેમિકાને રૂપિયા આપ્યા એ સાબિતી તેના મોબાઇલમાંથી મળી આવતા મેં હિસાબ માગ્યો હતો. મને પણ આશંકા છે મારા ભાઈ એ જ મયુરને પતાવી દીધો હશે.

પરિવારે જણાવ્યું હતું કે, મયુર પ્રવીણભાઈ રાઠોડ (ઉં.વ. 35) પાલનપુર પાટિયાના હીમગીરી એપાર્ટમેન્ટમાં પત્ની સાથે રહેતો હતો. હજીરાની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. આજે સવારે મકાનમાં ઘુસી મયુરને સાળા વિકીએ ઊંઘમાં જ છાતીમાં ચપ્પુ ઘુસાડી ભાગી ગયો હતો. ઘરમાંથી મયુર લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેને સિવિલ ખસેડાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. મયુરભાઈની પત્ની કાજલને 7 માસનો ગર્ભ છે.

વધુમાં જણાવ્યું હતું કે પાલનપુર પાટિયાના મેલડી માતાના મંદિર પાસેના ગ્રાઉન્ડમાં ગરબા રમવા ગયેલા કાજલ અને મયુર વચ્ચે કોઈ બાબતે ઝગડો થતા વાત મારામારી પર આવી ગઈ હતી. જેમાં સાળો વચ્ચે પડતા મયુરે સાળા અને પત્ની બન્નેને ધક્કે ચઢાવી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સાળો વિકી સગર્ભા બહેનને લઈ ઘરે જતા જતા કહેતો ગયો હતો કે હવે મારી બહેન તારી સાથે નહીં રહે, ત્યારબાદ બન્ને ગ્રુપ છુટા પડી ગયા હતા અને પોત-પોતાના ઘરે જતા રહ્યા હતા. પછી સવારે મયુરને મળવા ગયેલા મિત્રને મયુર ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા પત્ની કાજલને જાણ કરાઈ હતી.

કાજલ અને મયુરના પ્રેમલગ્ન હતા
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે કાજલ અને મયુરના પ્રેમલગ્ન ને 10 વર્ષ થઈ ગયા હતા. જોકે પહેલી ચાર પ્રેગનેન્સી પડી ગઈ હતી. ત્યારે આ પાંચમી વાર કાજલ સગર્ભા બની હતી અને 7 માસનો ગર્ભ હતો. છાતીમાં ઊંડો ઘા મારી મયુરની હત્યા કરાઈ છે. મયુરની હત્યા પાછળ વિકી નામનો ઈસમ હોવાની વાત ચાલી રહી છે. વિકી મયુરનો સાળો છે. જોકે હાલ વિકી ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

ગર્લફ્રેન્ડને 25000 ગૂગલ પે કરવાના મામલે થયો હતો ઝઘડો
શોકગ્રસ્ત પત્ની એ જણાવ્યું હતું કે સોમવારની સાંજે મયુરના મિત્ર એ જાણ કરી હતી કે ભાભી મયુરે તમને ગુગલ પે થી 25 હજાર આપ્યા છે. બસ આ વાત ને લઈ મેં મયુર ને પૂછ્યું તો ઝગડો થઈ ગયો હતો. તેમ છતાં બધુ ભૂલી ને નવરાત્રીના છેલ્લા દિવસે પતિ અને મિત્રો સાથે ગરબા રમવા ગઈ હતી. જ્યાં આખું પરિવાર ગરબા રમતું હતું અને હું સગર્ભા હોવાને કારણે બેઠી હતી. ત્યારે મયુરના મોબાઇલમાંથી 25 હજાર ગૂગલ પે ની સ્ક્રીન શોર્ટ દેખાયો. તે ચેક કરતા કોઈ છોકરી ને રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. જેને લઈ મેં મયુર ને પૂછતાં ઝઘડો થયો હતો. ત્યારે મયુરે ગુસ્સામાં મને લાફો મારી સગર્ભા હોવા છતાં પેટ પર લાત મારી હતી, જે વિકી જોઈ ગયો હતો. ત્યાર બાદ સાળા બનેવી વચ્ચે ગરબા ગ્રાઉન્ડ પર જ જોરદાર ઝગડો થયો હતો.

સવારે ખબર પડી કે મયુરની હત્યા થઈ છે, સાળો વિકી ફરાર
વધુમાં જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ પરથી બન્ને જૂથ ઘરે ગયા બાદ મયુરે મને ફોન પણ કર્યા હતા. જોકે મારો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પછી સવારે અમે બધા જ મિત્રો નાસ્તો કરવા ગૌરવપથ રોડ પર ગયા ત્યારે ફોન પર ખબર પડી કે મયુર ને કોઈ એ ઘા મારી પતાવી દીધો છે. હાલ પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે. મયુર હત્યા કેસમાં શકમંદ આરોપી તરીકે વિકી હાલ ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. કાજલ પણ પતિના હત્યા પાછળ ભાઈ વિકી પર આરોપ લગાડ્યો છે.

Most Popular

To Top