SURAT

ઓફિસમાં ઘૂસી બંદૂક બતાવી લૂંટારાઓએ જમીન દલાલને લૂંટી લીધો, સુરતમાં ગુનેગારો બેફામ

  • ગોડાદરા વિસ્તારની ઘટના: સંસ્કૃતિ એસી માર્કેટના ત્રીજા માળે જઈ ટપોરીઓએ લૂંટ ચલાવી
  • જમીન દલાલ ગુડ્ડુ યાદવના ભાઈના લમણે બંદૂક મુકી 80 હજારનો મુદ્દામાલ ટપોરી લૂંટી ગયો
  • લૂંટ બાદ જમીન દલાલને ફોન કરી 8 લાખની ખંડણી માંગી

સુરત: સુરત શહેરમાં (Surat City) ક્રાઈમ રેટમાં (Crime Rate) ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ડર જ નહીં હોય તેમ ખુલ્લેઆમ લૂંટફાંટ મચાવી રહ્યાં છે. હજુ થોડા દિવસ પહેલાં શહેરમાં કેટલાંક લુખ્ખા તત્વો જાહેરમાં તલવાર લઈ લોકોને ધમકાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને હવે આવી જ બીજી એક ઘટના બની છે, જેમાં ઓફિસની અંદર ઘુસી બંદૂક બતાવી મકાનના દલાલને લૂંટી લેવાયો છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ છે.

ગોડાદરા સંસ્કૃતિ એ.સી. માર્કેટમાં ત્રીજા માળે અભય ડેવલોપરની ઓફ્સિમાં સ્થાનિક માથાભારે ટપોરીએ રિવોલ્વરની અણીએ આઠ લાખની ખંડણી માંગી 80000ની લૂંટ ચલાવતા ચકચાર મચી હતી. ઘટનાને પગલે ગોડાદરા પોલીસ સહિતનો કાફલો દોડતો થયો હતો.

ગોડાદરાની સાઈધામ સોસાયટીમાં રહેતા ગુડ્ડુ યાદવની સંસ્કૃતિ એસી માર્કેટના ત્રીજા માળે અભય ડેવલપર્સ નામથી ઓફિસ આવેલી છે. ગુડ્ડુ યાદવ જમીન દલાલીનું કામ કરે છે. બુધવારે બપોરે 2.30 વાગ્યાના અરસામાં ગુડ્ડુ યાદવ ઓફિસમાં નહોતા, ત્યારે તેમની ઓફિસમાં તેમનો નાનો ભાઈ અજિત યાદવ જગ્નનાથ પાલ હાજર હતા. ત્યારે રાહુલ યાદવ નામનો ટપોરી અચાનક ઓફિસમાં ધસી આવ્યો હતો અને જગન્નાથ પાલના માથા પર રિવોલ્વર મુકી દીધી હતી.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી. અજિતના ખિસ્સામાંથી 50 હજાર રોકડા અને ગળામાંથી 30 હજારની ચેઈન લૂંટી લીધી હતી. ત્યાર બાદ અજિતના ફોનથી જ તેના મોટા ભાઈ ગુડ્ડુને ફોન કર્યો હતો અને આઠ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. લૂંટ ચલાવી ધમકી આપ્યા બાદ ટપોરીએ ઓફિસના કાચ પર ઊંધી રિવોલ્વર મારી તે કાચ તોડી નાંખ્યો હતો. આ સાથે જ ખંડણી આપવામાં નહીં આવે તો ખરાબ પરિણામ આવશે તેવી ધમકી આપી હતી. ટપોરીની દાદાગીરીથી ડઘાઈ ગયેલા યુવાને તેના ગયા બાદ પોલીસને ફોન કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ કમિશનરે તાજેતરમાં ખંડણીખોરો વિરુદ્ધ ઝૂંબેશ છેડવાની જાહેરાત કરી છે ત્યારે સુરતમાં ખંડણીખોરોનો કેટલો ત્રાસ વધી ગયો છે તે વાતની આ ઘટના સાબિતી આપે છે.

Most Popular

To Top