Entertainment

કાર્તિક બનશે બોલિવુડ ‘શેહઝાદા’

શું કાર્તિક આર્યન આજના ટોપ ફાઇવ સ્ટાર્સમાં પ્રવેશી ગયો છે ? છેલ્લે ‘ભુલભુલૈયા-2’ સફળ રહી પછી ફિલ્મજગત તેના વિશે એકદમ ઉત્સાહમાં વાત કરવા માંડયું છે. કાર્તિકનું પબ્લિક રિલેશન વર્ક ઓછુ’ ગણાય બાકી તે તેના સફળ હોવાની ઇમેજને શાહરૂખ-સલમાન પ્રકારની બ્રાન્ડમાં ફેરવવા નુસખા અપનાવી શકે. તે જો કોઇ ફિલ્મી ફેમિલીનો હોત તો અત્યાર સુધીમાં પોતાની ઊંચાઇ નક્કી કરીને ઊંધી ધજા ફરકાવી હોત. જો કે સ્ટાર થવું સરળ નથી અને સ્ટારડમ મળ્યા પછી ટકાવવું ય સરળ નથી. કાર્તિક આ વાત સમજતો હશે અને ન સમજતો હોય તો સમજે તે જરૂરી છે.

‘પઠાણ’ ફિલ્મ જબરદસ્ત સફળ જવાને કારણે જે ‘શેહજાદા’ ગયા અઠવાડિયે રજૂ થવાની હતી તે આ અઠવાડિયે રજૂ થઇ રહી છે. આ માટે તેની ફિલ્મના નિર્માતા ટી.સિરીઝના ડહાપહાને પણ યાદ કરવું જોઇએ. ‘પઠાણ’ સામે જો ‘શેહજાદા’ માર ખાય જાય તો કાર્તિકની સકસેસ સ્ટાર ઇમેજને ફટકો પડે તેમ હતો. ‘રાહેજાદા’ ફિલ્મ આમ તો તેલુગુમાં બનેલી‘ અલા વૈકુંઠપુરામુલુ’ની રિમેક હવે સમયની રાહ જોયા વિના તરત જ હિન્દીમાં બને છે એના પરથી હિન્દી ફિલ્મની સ્થિતિ કલ્પી શકો છો. તેલુગુમાં જે ભૂમિકા અલ્લુ અર્જૂને ભજવેલી તે હિન્દીમાં કાર્તિક ભજવે છે અને પૂજા હેગડેવાળી ભૂમિકા ક્રિતી સેનોન ભજવે છે.

આને આજ સ્ટાર્સ લઇને ય હિન્દી ફિલ્મ બનાવી શકાય હોત પણ અલ્લુ બિઝી હોવાથી કાર્તિકનો ચાન્સ લાગી ગયો છે. મૂળ ફિલ્મમાં અલ્લુ અર્જૂન અને જયરામની ભૂમિકા મહત્વની હતી. ‘શેહજાદા’માં પરેશ રાવલ, મનીષા કોઇરાલા વગેરે છે. ફિલ્મ રિલેશનશીપ વિશેની છે એટલે લોકોને ગમી શકે એમ છે. ફિલ્મનું દિગ્દર્શન વરુણ ધવનના ભાઇ રોહિત ધવને કર્યું છે. જેણે દેશી બોયઝ’, ‘ઢીશૂમ’ પછી ત્રીજીવાર દિગ્દર્શક તરીકે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ સફળ થવાની સારી શકાયતા ધરાવે છે અને ‘પઠાણ’ ફિલ્મે બજાર ગરમ કર્યું છે ત્યારે કાર્તિક બોકસ ઓફિસ ‘શેહજાદા’ તરીકે વટ મારી શકે છે.

કાર્તિકની આજ સુધી રજૂ થયેલી બાર ફિલ્મોમાં ‘પ્યાર કા પંચનામા’ અને તેની સિકવલ, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘પતિ, પત્ની ઔર વો’, ‘લવ આજકલ’, ‘લુકાછુપી’ સારી સફળ ગઇ છે ને ‘ભૂલ ભૂલૈયા’ની સિકવલે પણ તેની ઊંચાઇ વધારતા બુટમાં થોડો ઊંચો સોલ નાંખી આપ્યો છે. જો તે આ વર્ષે સફળતા આગળ વધારશે તો જરૂર મોટી આશા તરીકે બહાર આશે. તેની ‘સત્ય પ્રેમકી કથા’ અને ‘આશિકી-3’ આ વર્ષે જ રજૂ થવાની છે અને સફળ ગઇ તો કાર્તિક ટોપ પર પહોંચી જશે. કાર્તિક અત્યારે સાવધાનીથી આગળ વધી રહ્યો છે.

વધારે પડતી ફિલ્મો પણ સ્વીકારતો નથી. તે મોટા બેનરની પાછળ પણ નથી પડતો પરંતુ ‘શેહજાદા’ જો સફળ રહી તો તેની પાછળ મોટા બેનર પણ દોડતા આવશે. કાર્તિક એ રીતે પણ સમજણો છે કે એકશન ફિલ્મો સ્વીકારતો નથી. સામાન્યપણે તેની ફિલ્મો રમૂજ, કોમેડી, રોમાન્સથી ભરપૂર હોય છે. તેણે અત્યારે આ ઇમેજ બદલવાની જરૂર પણ નથી. ઘણીવાર હરફનમૌલા દેખાવાની લ્હાયમાં ઘણું ગુમાવવું પડે છે. અત્યારે સંભવીત ‘બોકસ ઓફિસ’ની ઇમેજ ‘શેહજાદા’થી કેટલી આગળ વધે તે મહત્ત્વનું છે. આગે જો હો દેખા જાયેગા. •

Most Popular

To Top