Columns

સસ્તું ભાડું અને વિમાનની યાત્રા હવે ભૂતકાળની બાબત બની જશે

ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના માનવીનું સપનું હંમેશા હવાઈ યાત્રા કરવાનું અને હવાઈ પરીને સ્માઈલ આપવાનું હોય છે. કોઈ કાળે ભારતમાં વિમાનનાં ભાડાં બહુ ઊંચાં હોવાથી ગરીબ તો શું, મધ્યમ વર્ગનાં લોકો પણ હવાઈ મુસાફરી કરવાની કલ્પના કરી નહોતા શકતા. પછી સસ્તાં વિમાની ભાડાંનો જમાનો આવ્યો. વિમાની કંપનીઓ ભાડું ઘટાડવા સ્પર્ધામાં ઊતરી. વિમાન ભાડું ઘટતાં ઘટતાં કોઈ કાળે શૂન્ય પર પહોંચી ગયું.

તેમાં શબ્દોની રમત હતી. ભાડું શૂન્ય ગણવામાં આવતું હતું, પણ ટેક્સ તેમ જ ઇંધણની ગણતરી કરીને ભાડું હજાર રૂપિયા લગભગ રાખવામાં આવતું હતું. આ સસ્તાં ભાડાંનો લાભ લઈને મધ્યમ વર્ગનાં લાખો નાગરિકો હવામાં ઊડવાની પોતાની ઝંખના સાકાર કરવા લાગ્યાં. વિમાની કંપનીઓ વચ્ચે ભાડાં ઘટાડવાની ગળાકાપ સ્પર્ધા વધતી ગઈ તેમ વિમાનમાં મુસાફરી કરતાં નાગરિકોની સંખ્યા પણ કૂદકે ને ભૂસકે વધતી ગઈ. રેલવે સ્ટેશનો પર જેવી ગિરદી જોવા મળે છે તેવી ગિરદી હવાઈ અડ્ડા પર પણ જોવા મળવા લાગી.

દેશનાં કરોડો લોકો પહેલી વખત હવાઈ મુસાફરીનો આનંદ માણવા લાગ્યાં, પણ વિમાની કંપનીઓ ખોટ ખાતી થઈ ગઈ. તેમાંની ઘણી કંપનીઓ ઊઠી ગઈ તો ઘણાનું મર્જર થઈ ગયું. જેટ એરવેઝ જેવી કંપની ફડચામાં ગઈ અને તેના માલિકો જેલમાં ગયા. ઘણી નવી કંપની પણ મેદાનમાં આવી. તેમણે ધીમે ધીમે ભાડાંમાં વધારો કરવા માંડ્યો. આ ગાળામાં લોકો પણ હવાઈ મુસાફરીના બંધાણી થઈ ગયા હોવાથી વિમાની વ્યવસાયનો વિકાસ થતો જ રહ્યો.

હવે આ વિકાસ પણ સંતૃપ્ત થઈ ગયો હોવાનું જણાય છે. તાજેતરમાં તાતા જૂથની માલિકીની કંપની વિસ્તારા મુશ્કેલીનો સામનો કરી રહી છે. પાઈલટોની અછતને કારણે વિસ્તારાને પોતાની ફ્લાઇટોની સંખ્યામાં આશરે ૧૦ ટકા જેટલો ઘટાડો કરવાની ફરજ પડી છે, પણ તેને કારણે વિમાની ભાડાંમાં કોઈ વિભાગમાં ૨૫થી ૩૦ ટકા જેટલો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હકીકતમાં આ વધારો વિસ્તારાને કારણે નથી પણ આવી રહેલી રજાને કારણે છે. સસ્તી હવાઈ યાત્રાના દિવસો પૂરા થયા છે.

શું વિમાની ભાડાં ખરેખર વધી રહ્યાં છે? તેનો જવાબ હા છે, પરંતુ તેનું એક માત્ર કારણ વિસ્તારામાં ચાલી રહેલી કટોકટી ન હોઈ શકે. વિસ્તારા એરલાઇન્સે ન તો રદ થયેલી ફ્લાઇટ્સનો ચોક્કસ નંબર આપ્યો છે કે ન તો રૂટ. જો કે એરલાઇન્સે કહ્યું છે કે તે સમગ્ર એપ્રિલ મહિનામાં દરરોજ ૨૫-૩૦ ફ્લાઇટ્સ વચ્ચે ઘટાડો કરશે. આનો અર્થ એ છે કે દેશના સ્તરે ક્ષમતામાં માત્ર ૧ ટકાનો ઘટાડો થાય છે અને તે આપણને પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે હવાઈ ભાડાં પર તેની કેટલી અસર થઈ શકે છે? હકીકતમાં વિસ્તારાના બહાને વિમાની કંપનીઓ ભાડાં વધારી રહી છે.

આગલી વખતે જ્યારે તમે તમારી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ બુક કરાવો ત્યારે વધારાની ચૂકવણી કરવા માટે તૈયાર રહેજો, કારણ કે કેટલાક મુખ્ય રૂટો પર ટિકિટના ભાવમાં બેફામ વધારો થયો છે. જ્યારે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં ૨૦૦ ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટને કારણે ટિકિટના ભાવમાં વધારો થયો હતો ત્યારે વિસ્તારાની પરિસ્થિતિએ આગમાં વધુ બળતણ ઉમેર્યું છે. યાત્રા ઓનલાઈન અને ઈક્સીગો નામના બે ટ્રાવેલ પોર્ટલના જણાવ્યા મુજબ અમુક રૂટ પર તત્કાલ વિમાની ભાડાંમાં  ૨૫ થી ૩૦ ટકાની વચ્ચે વધારો થયો છે.

માર્ચ, ૨૦૨૪માં દિલ્હી અને બેંગલુરુ વચ્ચેનું વિમાન ભાડું જે ૬,૯૪૮ રૂપિયા હતું તે એપ્રિલમાં  વધીને ૯,૬૪૩ રૂપિયા પર પહોંચી ગયું છે, જે ૩૯ ટકાનો વધારો સૂચવે છે. દિલ્હી અને શ્રીનગર વચ્ચેનું ભાડું જે માર્ચમાં ૮,૧૯૨ રૂપિયા હતું તે એપ્રિલમાં  વધીને ૧૦,૬૬૨ રૂપિયા પર પહોંચી ગયું છે. એવિએશન એક્સપર્ટ સંજય લાઝારે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિસ્તારા કંપની દ્વારા તાજેતરમાં ફ્લાઇટો રદ થવાથી ઉનાળાના ધસારામાં વિમાની ભાડાંમાં ઓછામાં ઓછો ૨૫ ટકાનો વધારો થઈ શકે છે.

કિંમત નક્કી કરવી એ એક વિજ્ઞાન અને કળા છે. જુલાઈ માટે દિલ્હી અને લેહ વચ્ચેનું રિટર્ન ભાડું ૨૦,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે, પણ તે આવતા અઠવાડિયે તેની કિંમતના અડધા કરતાં પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે, કારણ કે ત્યાં મોસમ ખરાબ છે. સામાન્ય રીતે અગાઉથી બુકિંગ કરવામાં ફાયદો થતો હોય છે, પણ દિલ્હી-લેહ રૂટ ઉપર પરિસ્થિતિ ઉલટી છે, કારણ કે વિમાની ભાડાં નક્કી કરવામાં મોસમ મહત્ત્વનો ભાગ ભજવે છે.

તેવી જ રીતે મે મહિના માટે દિલ્હીથી ગોવા પરત ફરતી ફ્લાઇટ શ્રીનગરની ફ્લાઇટ જેટલી જ કિંમતે ઉપલબ્ધ છે. દિલ્હી-ગોવા ફ્લાઇટનો સમય ૧૮૦ મિનિટથી વધુ છે, જ્યારે શ્રીનગર માટે તે માત્ર ૯૦ મિનિટનો છે. તેનું કારણ છે કે દિલ્હી-ગોવા સેક્ટરમાં શ્રીનગર સેક્ટર કરતાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, જે પુરવઠા સાથે જોડાયેલી સેવાની કિંમતનું ઉત્તમ ઉદાહરણ છે. હવાઈ ભાડાંમાં થયેલો વધારો નવી વાત નથી, કારણ કે માંગ અને પુરવઠા વચ્ચેની અસમતુલાને કારણે તે લાંબા સમયથી જોવા મળી રહ્યું છે.

માર્ટિન કન્સલ્ટિંગના સ્થાપક અને સીઈઓ માર્ક માર્ટિને ટિપ્પણી કરી હતી કે વિસ્તારા દ્વારા ફ્લાઈટ્સ ઘટાડવાના નિર્ણયથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, જે ભાડામાં વધારાના બીજા રાઉન્ડ માટે જવાબદાર છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે ઈન્ડિગો, ગોફર્સ્ટ અને સ્પાઈસ જેટ સહિત વિવિધ એરલાઈન્સમાં લગભગ ૨૦૦ એરક્રાફ્ટના ગ્રાઉન્ડિંગને કારણે ઉડ્ડયન ક્ષેત્ર વધુ તંગ બની ગયું છે. ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે ઘણી સમસ્યાઓ છે.

ભારતીય એરલાઇન્સ નવાં એરક્રાફ્ટ ખરીદવાની બાબતમાં અસમર્થ છે. ભારતમાં હવાઈ મુસાફરો વધી રહ્યાં હોવાથી બધી એરલાઈન્સે મળીને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૦૦થી ૬૦૦ એરક્રાફ્ટ સામેલ કર્યા હોવા જોઈએ. છેલ્લાં ચાર વર્ષથી હવાઈ ભાડું વધી રહ્યું છે અને પ્રવાસીઓ લાચાર છે. માર્ટિને વિયેતનામનાં સ્થળોની હવાઈ મુસાફરીની પરવડે તેવી કિંમતની સાથે પણ સરખામણી કરી હતી, જેની કિંમત ઘણી વખત ભારતમાં સ્થાનિક ફ્લાઇટ્સ કરતાં પણ ઓછી હોય છે.

એપ્રિલના પ્રથમ સાત દિવસોમાં ભારતમાં એરલાઈન્સે સ્થાનિક રૂટ પર ૨૧,૨૩૬ ફ્લાઈટ ચલાવી હતી. એપ્રિલની ત્રીજી તારીખે ફ્લાઇટ પ્રતિ દિવસનાં ૩,૦૦૦ પ્રસ્થાનોથી નીચે પહોંચી ગઈ હતી. માર્ચના પ્રથમ સાત દિવસોમાં ૨૧,૦૪૩ સ્થાનિક ફ્લાઇટો કરતાં આ સંખ્યા લગભગ ૧ ટકાથી વધુ છે. આ સંખ્યા એપ્રિલ ૨૦૨૩ કરતાં લગભગ બે ટકા વધુ છે. હકીકતમાં ભારતીય એરલાઇન્સના ઉનાળાના સમયપત્રકમાં અગાઉના શિયાળાના સમયપત્રક અને ગયા વર્ષના ઉનાળાના સમયપત્રકની તુલનામાં સ્થાનિક ફ્લાઇટ્સમાં વૃદ્ધિના સંદર્ભમાં વિસ્તારા ટોચની વિમાની કંપની હતી. આ વર્ષના ઉનાળાના શેડ્યૂલમાં  ૩૧ માર્ચથી ૨૬ ઑક્ટોબર સુધી વિસ્તારા દ્વારા ૨,૩૨૪ સાપ્તાહિક ફ્લાઇટો ચલાવાઈ છે, જે ગયા વર્ષના ઉનાળાના શેડ્યૂલ કરતાં ૨૫.૨ ટકા અને માર્ચમાં પૂરા થયેલા શિયાળાના શેડ્યૂલ કરતાં ૨૨.૨ ટકા જેટલી વધુ છે.

અન્ય ટ્રાવેલ એજન્સીના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે વિસ્તારાની ફ્લાઇટ રદ થવી એ એક કામચલાઉ ઘટના હોઈ શકે છે, જે થોડા મહિનાઓ સુધી ટકી શકે છે, પરંતુ ટૂંકા ગાળાના વિક્ષેપથી પણ ક્ષમતા કેન્દ્રિત ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર દબાણ વધે છે,  જે ક્ષમતા જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. કોવિડ-૧૯ રોગચાળાના અંત પછી હવાઈ મુસાફરીની  ડિમાન્ડ વધી ગઈ હોવાથી હવાઈ ભાડામાં વધારો થવો સ્વાભાવિક છે. હાલમાં ઇન્ડિગોના ૭૦ થી વધુ એરક્રાફ્ટ એન્જિન સંબંધિત સમસ્યાઓ અને સપ્લાય ચેઇન સમસ્યાઓને કારણે ગ્રાઉન્ડેડ છે અને ગો ફર્સ્ટના ૫૦ પ્લેન એરપોર્ટ પર નિષ્ક્રિય છે, કારણ કે તેણે નાદારી માટે અરજી કરી હતી. બીજી તરફ માંગમાં વૃદ્ધિ અટકી રહી નથી, જેના કારણે સસ્તી વિમાની યાત્રા ભૂતકાળ બની
ગઈ છે.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top