Columns

લાઈફની બેલેન્સ શીટ

એક ચાર્ટર્ડ એકાઉટન્ટ માર્ચ એન્ડીંગનાં બધાં કામ પૂરાં કરી થાક ઉતારવા અને ફ્રેશ થવા બે દિવસ પોતાના ગામમાં રીટાયર લાઈફ જીવતાં મમ્મી – પપ્પા પાસે ગયો.તેનાં મમ્મી રીટાયર ટીચર અને પપ્પા રીટાયર એકાઉન્ટન્ટ હતા. મમ્મીએ પોતાના કામથી થાકેલા દીકરાનો થાક ઉતારવા પોતાનો પ્રેમ ઠાલવીને તેને ભાવતી બધી જ વાનગીઓ બનાવી હતી.જમીને બધા હિંચકે બેઠાં બેઠાં મુખવાસ અને પાન ખાતાં વાતો કરતા હતા ત્યારે મમ્મીએ પૂછ્યું, ‘બહુ કામ હતું આ વર્ષે થઇ ગયું બધું ..બહુ ઉજાગરા નથી કર્યા ને?’ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીકરો બોલ્યો, ‘હા, મમ્મી બહુ કામ હતું અને એટલે જ તો થાક ઉતારવા બે દિવસ અહીં આવ્યો છું અને આવતા અઠવાડીએ છોકરાઓની પરીક્ષા પછી વેકેશન પર જઈશું.’

મમ્મીએ કહ્યું, ‘બહુ સારું..’ પિતા બોલ્યા, ‘દીકરા લોકોની બેલેન્સ શીત તો તે ઓડીટ અને ટેલી કરીને આપી દીધી પણ તારી બેલેન્સશીટનું શું કર્યું ભાઈ?’ દીકરો હસ્યો, ‘પપ્પા, ભૂલી ગયા તમે હું અને મારી પત્ની બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છીએ. અમારી બેલેન્સ શીટ તો તે બરાબર સંભાળે છે,કોઈ જોવાપણું હોતું જ નથી.’ પપ્પા હસ્યા અને બોલ્યા, ‘દીકરા, હું દર વર્ષે નવી બનતી ફાઈનાન્સિઅલ બેલેન્સ શીટની નહિ, પણ જીવનમાં એક જ વાર બનાવી શકાતી લાઈફની બેલેન્સશીટની વાત કરું છું!’ દીકરાએ પૂછ્યું, ‘પપ્પા, લાઈફની બેલેન્સશીટ !! શું કહેવા માંગો છો બરાબર સમજાવો.’ પપ્પાએ વાત સમજાવતાં કહ્યું, ‘જો દીકરા, આપણા બધાની લાઈફની બેલેન્સશીટ હોય છે ..

જન્મ થવો ઓપનીંગ સ્ટોક છે અને મરણ કલોઝિંગ સ્ટોક અને તેની વચ્ચે આપણે જે જીવન જીવીએ છીએ તે બેલેન્સ હોવું અને ટેલી થવું જરૂરી છે.જીવન દરમ્યાન આપણને જે મળે છે તે આપણી ગયા જન્મોના પુણ્યોની ક્રેડીટ છે અને આપણે જે ગુમાવીએ છીએ ગયા જન્મના પાપની ડેબીટ…તારા મિત્રો ..પરિવાર …સ્વજનો તારા અસેટસ [મિલકત] છે અને તારી ખરાબ આદતો …ખરાબ વર્તન તારી લાયાબિલિટી છે. તારું વર્તન …તારું સ્વાસ્થ્ય …તારી સંબંધો જાળવવાની ખૂબી તારું ગુડવિલ છે.તને જીવનમાં જે ખુશીઓ અને આનંદની ક્ષણો મળે છે તે તારો ફાયદો એટલે કે પ્રોફિટ છે અને તને જે દુઃખો મળે છે તે તારું નુકસાન એટલે કે લોસ છે. તારું ચરિત્ર અને વ્યવહાર તારી સાચી મૂડી એટલે કે કેપિટલ છે.

તારું જ્ઞાન અને નવું નવું શીખવું એ એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે.તારી ઉંમર એ ઘસારો એટલે કે ડેપ્રીશિયેશન છે અને જેમ તું બધાના એકાઉન્ટ ઓડિટ કરે છે તેમ ઈશ્વર તારાં કર્મોનું પણ ઓડિટ કરે છે. માટે હંમેશા સારાં કામ કરજે અને સ્નેહ સંબંધો સાચવીને જીવનની બેલેન્સશીટ ધ્યાન આપી સુંદર બનાવજે.’ પપ્પાએ પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીકરાને એકાઉન્ટની ભાષામાં જીવનની સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top