SURAT

‘ગદ્દારને શોધી આપનારને 5000નું ઈનામ’, વાયરલ પોસ્ટે સુરતમાં ચર્ચા જગાવી

સુરત: શહેરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે ગદ્દારને શોધી આપનારને 5000નું ઈનામ આપવામાં આવશે. આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

પોસ્ટમાં કોઈનું નામ તો લખવામાં આવ્યું નથી, પરંતુ ચર્ચા એવી છે કે આ પોસ્ટ નિલેશ કુંભાણી માટે લખવામાં આવી છે. સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર હતા, પરંતુ ટેકેદારોની ખોટી સહીના ખુલાસા બાદ નાટ્યાત્મક રીતે તેમનું ફોર્મ રદ્દ થયું હતું અને ચૂંટણી લડવા પહેલાં જ કોંગ્રેસ સુરત લોકસભા બેઠક હારી ગયું હતું.

ફોર્મ રદ્દ થયા બાદથી નિલેશ કુંભાણી ગાયબ છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોનું એવું માનવું છે કે નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષ અને જનતા સાથે ગદ્દારી કરી છે. પોસ્ટર, બેનર સહિત અનેક માધ્યમો મારફતે નિલેશ કુંભાણી સામે કોંગ્રેસીઓ આક્રોશ વ્યક્ત કરતા રહ્યાં છે. ત્યારે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટે ફરી ચર્ચા જગાવી છે.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતા પ્રદીપ સિંઘવ દ્વારા સોશિયલ મીડિયા પર નિલેશ કુંભાણીનું નામ લખ્યા વિના પોસ્ટ કરવામાં આવી છે, પરંતુ પોસ્ટમાં જે લખાણ છે તે વાંચતા પોસ્ટ નિલેશ કુંભાણી માટે જ કરાઈ હોવાનું સમજી શકાય છે. આડકતરી રીતે કોંગ્રેસના યુવાન નેતાએ કુંભાણી સામે રોષ વ્યક્ત કર્યો હોવાનું લાગી રહ્યું છે.

શું લખ્યું છે પોસ્ટમાં?
આ પોસ્ટમાં સિંઘવે લખ્યું છે કે, કાલથી એક મુદ્દાનો કાર્યક્રમ છે. ગદ્દારને શોધી સરખી સર્વિસ કરવાની છે. ચોક્કસ ખબર આપનારને 5000નું ઈનામ આપવામાં આવશે. ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

22 દિવસથી નિલેશ કુંભાણી ગાયબ છે
ફોર્મ રદ્દ થયા બાદ પાછલાં 22 દિવસથી નિલેશ કુંભાણી ગાયબ છે. કોંગ્રેસ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા ત્યાર બાદ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કુંભાણીએ જે બન્યું તેના માટે કોંગ્રેસના આગેવાનોને જ દોષિત ઠેરવ્યા હતા. બાદમાં તેમના પત્ની ઘરે પરત આવ્યા હતા. તેઓ પણ આવી રહ્યાં હોવાની ચર્ચા ઉઠી હતી. કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો, પરંતુ તે આવ્યા નહોતા. હજુ સુધી કુંભાણીનો કોઈ પત્તો નથી, ત્યારે તેમને શોધવા ક્રોધિત કોંગ્રેસીઓ રઘવાયા થયા છે.

Most Popular

To Top