SURAT

સુરતઃ શેરબજારના ચક્કરમાં પત્નીના 96 તોલાના દાગીના વેચી પતિએ દેવાળું ફૂંક્યું, ખબર પડી ત્યારે…

સુરત: અડાજણમાં રહેતી અને કલામંદિર જવેલર્સમાં નોકરી કરતી મહિલા સાથે વિશ્વાસઘાતની ઘટના બની છે. મહિલા લગ્ન બાદ પતિ અને બંને સંતાન સાથે જીવન વિતાવતી હતી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તે પિયરમાં રહેતી હતી.

તાજેતરમાં દ્વારકા યાત્રા પરથી પાછા ફર્યા બાદ લોકરમાંથી રૂ.41.23 લાખના 96 તોલા સોનાના દાગીના ગુમ થઈ ગયાનું બહાર આવ્યું હતું. પતિએ દાગીના ચોરી વેચી કાઢી તે પૈસા શેરબજારમાં ગુમાવ્યાની કબૂલાત કર્યા બાદ શિરડી દર્શન કરવા બહાને ઘરેથી ભાગી ગયો હતો અને ત્યારબાદ પત્નીનો મોબાઈલ નંબર બ્લોકમાં મૂકી દીધો હતો.

  • જ્વેલર્સમાં નોકરી કરતી પત્ની ચારેક વર્ષથી બે સંતાન સાથે પિયરમાં જ રહેતી હતી, અગાઉ લોન અને ડિમેટ એકાઉન્ટના 4.50 લાખ પણ પતિએ તફડાવ્યા હતા
  • ચાવીથી લોકર ખોલી 41.23 લાખના દાગીના કાઢ્યા અને સાસુની બીમારીનું બહાનું બતાવી સોનીને વેચી નાંખ્યા, શેરબજારમાં રોકાણ કર્યું ને બધું ગયું
  • પત્ની સામે ચોરીની કબૂલાત કરી, ગીરવે મૂક્યાનું બહાનું કાઢ્યું પરંતુ શિરડી દર્શનના બહાને ગયા બાદ ઘરે પરત ફર્યો જ નહીં, પત્નીનો ફોનનંબર પણ બ્લોક કરી નાંખ્યો

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના અડાજણ, આનંદમહલ રોડની સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન હરિકૃષ્ણ પરમાર, ઘોડદોડ રોડ શિવશક્તિ સ્વીટ્સની બાજુમાં કલામંદિર જવેલર્સમાં કંપની સેક્રેટરી તરીકે નોકરી કરે છે. અગાઉ પ્રિયંકાબેન સુરત મામાના ઘરે આવ્યા ત્યારે તેમની મુલાકાત હરિકૃષ્ણ પરમાર સાથે થઈ હતી અને બંને વચ્ચે મિત્રતા થયા બાદ બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો.

પ્રિયંકાના 24 જાન્યુઆરી 2017માં રાજકોટમાં સમાજના રિતરિવાજ પ્રમાણે હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર (રહે. સિલ્વર પાર્ક સોસાયટી, ભક્તિધામ ટાઉનશીપ, પાલનપુર જકાતનાકા, અડાજણ) સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન બે સંતાન છે. પ્રિયંકાબેન છેલ્લા ચાર વર્ષથી તેના માતા પિતા સાથે પિયરમાં રહે છે. પ્રિયંકાબેને તેમના તમામ દાગીના પણ પોતાની સાથે લાવી પિયરના બેડરૂમમાં લોકરમાં મૂકી રાખ્યા હતા.

પ્રિયંકાબેન, પતિ હરિકૃષ્ણ તેમજ બંને સંતાન સાથે 4થી મેના રોજ દ્વારકા ફરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવ્યા ત્યારે લોકરમાંથી રૂ.41,23,000/-ની મતાના 96 તોલા દાગીના ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પ્રિયંકાબેને તેના મામાને ઘરે બોલાવતા તેઓ ઘરે આવ્યા હતા અને દાગીના અંગે હરિકૃષ્ણ પરમારને પુછતા તેણે સાસુ હોસ્પિટલમાં દાખલ હતા તે વખતે લોકરમાંથી ચોરી કરી સોનીને વેચ્યા હતા અને તે દાગીનાના પૈસા શેરબજારમાં હારી ગયો હોવાની કબૂલાત કરી હતી.

પ્રિયંકાબેને દાગીનાની માંગણી કરતા હરિકૃષ્ણ પરમારે સોની પાસેથી છોડાવી પરત આપવાની વાત કર્યા બાદ એક દિવસ શિરડી દર્શન કરવા માટે ગયા બાદ પરત ઘરે આવ્યા ન હતા અને પ્રિયંકાબેનનો મોબાઈલ નંબર બ્લોકમાં મૂકી દીધો હતો. બનાવ અંગે અડાજણ પોલીસે પ્રિયંકાબેનની ફરિયાદને આધારે પતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સાસુની બીમારી, ઓપરેશનનું બહાનું બતાવી ઉધના દરવાજાના રાજેશ સોનીને દાગીના વેચ્યા
અડાજણ પોલીસે જણાવ્યું હતું કે આરોપી હરિકૃષ્ણ પરમારે દાગીના તેની સાસુ હોસ્પિટલમાં દાખલ હતા તે વખતે ચાવીથી લોકર ખોલી દાગીના ચોર્યા હતા. ત્યારબાદ આ 90 તોલા દાગીના ઉધના દરવાજા ખાતે રાજેશ સોનીને વેચ્યા હતા. પ્રિયંકા અને તેના પરિવારે રાજેશ સોનીને ફોન કરીને પુછતા તેણે એવું કહ્યું હતું કે હરિકૃષ્ણ પરમારે તેની સાસુ હોસ્પિટલમાં દાખલ છે અને ઓપરેશન કરવા માટે પૈસા સખત જરૂર છે, જેથી પોતાના અને પત્નીના સોનાના દાગીના વેચવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.

પત્નીના ડિબેટ એકાઉન્ટમાંથી શેર વેચી નાખ્યા
અડાજણ પોલીસે જણાવ્યું હતું કે આરોપી હરિકૃષ્ણ પરમારે તેની પત્નીના રૂ.41.23 લાખના 96 તોલા સોનાના દાગીના ચોરી વેચી નાંખ્યા હતા અને આ પૈસા શેરબજારમાં હારી ગયો હતો. આરોપી પતિએ આ પહેલા પણ તેની પત્ની પ્રિયંકાબેનને એચડીએફસી બેન્કમાંથી રૂ.4.50 લાખની પર્સનલ લોન લેવડાવી હતી. તે પૈસા તેમજ પત્નીના ડિમેટ એકાઉન્ટમાંથી શેર વેચી 2 લાખ પણ શેરબજારમાં હારી ગયો હતો.

Most Popular

To Top