SURAT

મોટો આક્ષેપ, સુરત એરપોર્ટ પર CAT-1 લાઇટ અને રડાર સ્ટેશન પ્રોજેક્ટ પડતો મૂકવા કરોડોનો ખેલ થયો

સુરત: એરપોર્ટ પર CAT-1 લાઇટ અને રડાર સ્ટેશન પ્રોજેક્ટ પડતો મૂકવા પાછળ બિલ્ડરો સાથે કરોડોનો ખેલ થયો છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિગતવાર પત્ર મોકલી સુરત એરપોર્ટના વિકાસના ભોગે 25 એકર જમીનના લાભાર્થીઓને ઉઘાડા પાડવા માંગ કરી છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોંગ્રેસે પત્ર મોકલી સુરત એરપોર્ટના વિકાસના ભોગે 25 એકર જમીનના લાભાર્થીઓને ઉઘાડા પાડવા માંગ કરી
  • રન-વેને નડતરરૂપ બાંધકામો દૂર નહીં થાય અને CAT-1 અને ILS સિસ્ટમ નહીં લાગે તો અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના સર્જાશે: દર્શન નાયક

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન, ગુજરાતના ચીફ સેક્રેટરીને ઈમેલ થકી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોજ પેસેન્જરના જીવ જોખમમાં મૂકી વિમાનનું ટેકઓફ અને લેન્ડિંગ કરાવવામાં આવે છે.

કારણ કે, જો સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ બાંધકામો દૂર નહીં થાય અને CAT-1 અને ILS સિસ્ટમ નહીં લાગે તો અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના સર્જાશે. આવી આશંકા કેટલાક એવિયેશન નિષ્ણાતો વ્યક્ત કરી ચૂક્યા છે. સંભવિત અકસ્માત ટાળવા રન-વે વિસ્તરણ અને નડતરરૂપ બાંધકામોના પ્રશ્નનો નિકાલ આવવો જોઈએ એ ખૂબ જ જરૂરી છે.

વડાપ્રધાને સુરત હવાઈ મથક ખાતે સુરક્ષા બાબતે સરવે કરાવી આગમચેતી પગલાં ભરવા તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા રહસ્યમય કારણોસર એરપોર્ટ ઓથોરિટીએ CAT-1 લાઇટ પ્રોજેક્ટ માટે ૨૨.૩૩ એકર અને રડાર સ્ટેશને ૫ એકર જમીન મેળવવાનો પ્રોજેક્ટ પડતો મૂકવા બાબતે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. હાલમાં જ અમદાવાદ ખાતે થયેલ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના ખૂબ જ દુખદ છે.

સુરત એરપોર્ટનો રન-વે ૨૯૦૫ મીટરનો છે. વિમાનનું ટેક ઓફ અને લેન્ડિંગ કરાવવામાં આવે છે ત્યારે નડતર રૂપ બાંધકામોને લીધે વેસુ તરફના ૬૧૫ મીટર રન-વેના ઉપયોગ પર કાપ મૂકવામાં આવ્યો છે. જેથી સુરત તરફના ૬૧૫ મીટર રન-વેનો ઉપયોગ થઈ શકતો નથી. જેના લીધે વાઈડ બોડી એરક્રાફટ માટે લેન્ડિંગ મુશ્કેલ બને છે.

દર્શન નાયકે વધુમાં જણાવ્યું હતું કે, વેસુ સાઇડ રન-વે પર ટેક ઓફ વખતે અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના સુરત એરપોર્ટ નજીક બની શકે છે. એવિએશન સેક્ટરના જાણકારોનું કેહવુ છે. સુરત એરપોર્ટના રન-વે નડતરરૂપ પ્રોજેક્ટ કોમ્પ્લેક્સની સંખ્યા વધતી જઈ રહી છે.

એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ બિલ્ડરો, પ્રમુખ, મંત્રીને નોટિસ પાઠવીને સુરત એરપોર્ટ વેસુ ભાગમાં નડતરરૂપ ઈમારતોની ઊંચાઇ ઓછી કરીને નિયમ મુજબ રાખવા આદેશ આપવામાં આવ્યો હતો. વર્ષ-૨૦૧૮માં થયેલા સરવે મુજબ ૧૮ જેટલા બિલ્ડિંગ પ્રોજેક્ટમાં ૯૦ જેટલી ઈમારત વિમાન લેન્ડિંગ વખતે નડતરરૂપ હોવાનું બહાર આવ્યું હતું.

એરપોર્ટ ઓથોરિટીએ વેસુ ૨૨ રન-વે તરફ નડતરરૂપ ઈમારતોની ઊંચાઈ ઓછી કરવા ઓર્ડર પાલિકાને મોકલવામાં આવ્યો હતો. પણ મામલો કોર્ટમાં લટકી પડ્યો છે. વળી, સને-૨૦૨૨ના વર્ષમાં છેલ્લે OLS દ્વારા સરવે થયો હતો. જો હાલ ચાલુ વર્ષ-૨૦૨૫માં OLS દ્વારા સરવે થાય તો કેટલા નવા ઓબસ્ટેકલ ઊભા થયા, કેટલા ઓછા થયા એ જાણી શકાય તથા રન-વે વિસ્તરણ અને નડતરરૂપ બાંધકામોના પ્રશ્નનો નિકાલ લાવી શકાય તેમ છે.

વધુમાં જણાવવાનું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને ગુજરાત સરકારે ડિસેમ્બર-૨૦૨૩માં એક MOU પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં સુરત કલેક્ટરના નિરીક્ષણ હેઠળ એક ખાસ જમીન સંપાદન અધિકારી દ્વારા જમીન સંપાદન કરવા સંમતિ આપવામાં આવી હતી. જે હેઠળ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ એરપોર્ટના વિસ્તારને વિસ્તૃત કરવાનો અને CAT-1 એપ્રોચ લાઇટિંગ સિસ્ટમ અને ASR-MSSR રડાર સુવિધા મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા સંપાદન યોજનાને સુરત એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવી હતી. ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા આ અંગે ૨૧૫ કરોડના MOU પણ કરવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા છેલ્લાં ૫થી ૭ વર્ષોથી કેટ-૧ લાઇટ ઇન્સ્ટોલ કરવાના કામે ૨૨.૩૩ એકર જમીનની માંગણી કરવામાં આવી રહી હતી.

સુરત એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટ માટે માંગણી મુજબની આ જમીન ડી.આઇ.એલ.આર. વિભાગ સુરત દ્વારા જમીનની માપણી કરવામાં આવશે અને કલેક્ટરને રિપોર્ટ આપે એ પછી જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ તા.૨/૪/૨૦૨૫ અને તા.૨૮/૫/૨૦૨૫ના રોજ સુરતના જિલ્લા કલેક્ટરને બે પત્રો પણ લખ્યા હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ કબૂલ્યું છે. પણ તા.૨ જૂન-૨૦૨૫ના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ સુરત કલેક્ટરને સુરત એરપોર્ટના વિસ્તરણ માટે ૨૫.૩૩ એકર જમીન સંપાદન કરવાની પ્રક્રિયા સ્થગિત કરવા જણાવ્યું છે.

કરોડોની કિંમતની 80,645 ચોરસ મીટર જમીનો પડતી મૂકવા પાછળ કોનો હાથ: કોંગ્રેસ

  • CAT-1 એપ્રોચ લાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ વિમાન અને પેસેન્જરની સુરક્ષા, સલામતી માટે મહત્ત્વની અને જરૂરી ગણાય છે. આ પ્રોજેક્ટ માટે જમીન આપવા ગુજરાત સરકાર તૈયાર થઈ ગઈ હતી, ત્યારે અચાનક વિનામૂલ્યે મળતી જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કેમ ન સ્વીકારી?
  • તા.ર૨ એપ્રિલ ૨૦૨૫ અને તા.૧૮ મે-૨૦૨૫ના રોજ વહીવટી તંત્રમાં જલદી જમીન ફાળવવા પત્રો લખનાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ માંગણી પડતી કેમ મૂકી?
  • CAT-1 લાઇટ પ્રોજેક્ટ અને આધુનિક રડાર સ્ટેશન માટે જમીનની ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કે હતી ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના મોંમાં આવી ગયેલો કોળિયો કોણ ઝૂંટવી ગયું ?
  • ઉડ્ડયન નિષ્ણાતો પ્રશ્ન એ કરી રહ્યા છે કે, એક અઠવાડિયામાં એવું શું રંધાયું કે જમીન માટે ઉતાવળ કરનાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ જમીન જોઈતી નથી અને પ્રોજેક્ટ સ્થગિત કરીએ છીએ એવો નિર્ણય કેમ લીધો?
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) પાસે જે જમીન જવાની હતી, તે જમીન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી ઝૂંટવી લેનાર લાભાર્થીઓ કોણ છે?
  • કયા વગદાર બિલ્ડરોએ સુરત એરપોર્ટ માટે વિનામૂલ્યે મળી રહેલો ૮૦,૬૪૫ ચોરસ મીટર જમીનો ખેડૂતો પાસેથી જમીન સંપાદનની કાર્યવાહી પૂર્વે ખરીદી, એનો રેવન્યુ રેકોર્ડ જાહેર કરવામાં આવે.

Most Popular

To Top