Vadodara

હોદ્દેદારોની કેબિનમાં કચરો ઠાલવવાની ચિમકી

વડોદરા : શહેર નજીક ઉંડેરા તળાવની સામે આવાસોમાં આવેલી આંગણવાડીની બાજુમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતા દ્રશ્યો જોવા મળ્યા છે. છેલ્લાં ઘણા સમયથી કચરાના ઢગ ખડકાયા હોય દુષિતમય વાતાવરણથી લોકો હેરાન પરેશાન થઇ ઊઠ્યા છે જ્યારે આંગણવાડીમાં આવતા બાળકો ના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું હોય તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. શહેર નજીક ઉંડેરા તળાવ ની સામે આવાસમાં આવેલી આંગણવાડીની બાજુમાં જ કચરાના ઢગ ખડકાયા છે. સાફ-સફાઈ કરવામાં નહીં આવતી હોવાના કારણે બાળકોની સંખ્યા પણ ઘટવા માંડી છે.

આ ઉપરાંત ગંદકીને પગલે દુષિતમય વાતાવરણ બનતા ત્યાંથી પસાર થતા લોકોને તેમજ આંગણવાડીમાં આવતાં વાલીઓને પણ પોતાના નાક ઉપર રૂમાલ દબાવી અહીં આવવાની ફરજ પડી રહી છે. ત્યારે આ બાબતે આજે યુથ કોંગ્રેસના કાર્યકરો આંગણવાડી ખાતે પહોંચ્યા હતા અને તેમાં સર્જાયેલ ગંદકીને પગલે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.તેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના સત્તાધીશો જે સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે. પણ અહી સ્માર્ટ સિટી જોઈ શકો છો કે કચરાના કેટલા ઢગ ખડકાયા છે. બાજુમાં જ આંગણવાડી છે.

બાળકો અભ્યાસ કરવા આવતા હોય છે.જેઓને પણ ગંદકીનો સામનો થવા મજબૂર બનવું પડ્યું છે. તીવ્ર દુર્ગંધના કારણે લોકોને મોં પર રૂમાલ દબાવી અહીં આવવાની ફરજ પડી રહી છે. વડાપ્રધાન જ્યારે વડોદરામાં આવ્યા ત્યારે કોર્પોરેશન દ્વારા આટલો બધો ખર્ચો કરે છે. પણ અહીંયા જ્યાં જરૂર છે ત્યાં ખર્ચો કરતા નથી. જો વહેલી તકે અહીં ગંદકીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો કોર્પોરેશનના હોદ્દેદારોની કેબિનમાં કચરો ઠાલવવામાં આવશે તેવી ચીમકી પણ યુથ કોંગ્રેસના સયાજીગંજ પ્રમુખ ધ્રુવ પંડયા અને શબ્બીર ચૌહાણએ ઉચ્ચારી હતી.

ચોમાસું હોવાથી કચરાનો તાત્કાલિક નિકાલ નહીં થાય તો રોગચાળો ફાટશે
અહીં પડેલા કચરાના કારણે બાળકો આવતા નથી અને તેમના વાલીઓ પણ તેમને અહીંયા મોકલતા નથી. દુર્ગંધ પણ એટલી ફેલાય છે કે પાછળથી અમે બારી પણ ખોલી શકતા નથી. છેલ્લાં દસ દિવસથી આ કચરો અહીંને અહીં જ જોવા મળ્યો છે. કોઈ પ્રકારની સાફ-સફાઇ કરવામાં આવી નથી. હાલ ચોમાસુ આવતું હોવાથી તાત્કાલિક કચરાનો નિકાલ થાય તેવી અમારી માંગ છે. કેમ કે બાળકો દિવસેને દિવસે હવે આંગણવાડીમાંથી ઘટવા માંડ્યા છે. ચોમાસાને કારણે ડેન્ગ્યુ મચ્છર જન્ય રોગના ભયને કારણે વાલીઓ પોતાના બાળકોને મોકલતા નથી. અહીં મોકલતા પહેલા ઘણો વિચાર કરે છે. વરસાદી પાણી પણ અહીં આગણવાડીમાં ભરાય છે. પણ કોઇ પ્રકારની અહીં તસ્દી લેવામાં આવતી નથી. : – સંધ્યાબેન પરમાર, આંગણવાડી સંચાલિકા

Most Popular

To Top