Dakshin Gujarat

ગુજરાતમાં સૌપ્રથમ રથયાત્રા 250 વર્ષ પહેલાં ભરૂચના આ વિસ્તારમાં નીકળી હતી

ભરૂચ(Bharuch) : ભરૂચમાં ૨૫૦ વર્ષ ઉપરાંતથી ફુરજા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા (Bhagwan Jagnnath Rathyatra) પરંપરા મુજબ નીકળતી હતી. બે વર્ષ કોરોના (Corona) બાદ ફરીવાર ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને અલગ અલગ ત્રણ રથમાં બિરાજમાન કરી ભરૂચ શહેરમાં પસાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • કોરોનાના કારણે ૨ વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર સંકુલમાં જ નીકળતી હતી
  • ઓરિસ્સાથી જહાજોમાં આવતા વેપારીઓ, કામદારો અને ભોઈ સમાજનાં લોકોએ મળી જગન્નાથજીના મંદિરનું નિર્માણ કર્યુ હતું

ફુરજા બંદરે ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જ્યાં જગન્નાથજીનું મંદિર છે. ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતાં જહાજોમાં ત્યાંથી મજૂરો તથા વેપારીઓ અવારનવાર ભરૂચ આવતા હતા, તેઓના સંપર્કમાં ભોઈ સમાજના લોકો પણ આવ્યા શ્રદ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું. જેથી સવારમાં કામે આવતી વ્યક્તિઓ અહીં દર્શન કર્યા બાદ પોતાના કામે લાગી જાય. ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતિના કર્મચારીઓએ અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. એ સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ (ક્લે) ઊંચા પ્રકારનો હતો. અહીં નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા)ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવા આવી એવી લોકવાયકા છે.

અમદાવાદ પહેલા ભરૂચમાં સૌપ્રથમ વખત ફુરજા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનું લોકવાયકા છે. છેલ્લાં ૨૫૦ વર્ષોથી સતત ફુરજા બંદરથી ભોઈ પંચ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથજીના ભક્તોમાં ભરૂચની એક ખલાસી માતાએ ૧૮૭૮માં અમદાવાદના તત્કાલીન મહંતને વિનંતી કરી હતી કે રથયાત્રાના દિવસે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા ખલાસી પુત્રોને સોંપો. રથ ખેંચવાની સેવા અમને સોંપી કૃતાર્થ કરવા કરાયેલી વિનંતી મહંતે માન્ય રાખી હતી. ત્યારથી જ અમદાવાદ સહિ‌તની દેશમાં નીકળતી તમામ રથયાત્રામા આજદિન સુધી ભગવાના રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઈઓ નિભાવે છે.

ભરૂચથી 112 વર્ષ બાદ અમદાવાદમાં 1878માં પહેલી રથયાત્રા નીકળી હતી
અમદાવાદમાં ૧૮૭૮માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસ રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ વાતની જાણ ભરૂચ થતાં ભરૂચના ખલાસી ભાઈઓએ ૧૩૮ વર્ષ પહેલાં નીકળેલી સૌપ્રથમ રથયાત્રા માટે નાળિયેરના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજી ભેટ ધર્યો હતો. મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ વાતની જાણ ભરૂચમાં થતાં ભરૂચના ખલાસીભાઈઓએ નાળિયેરીના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંતજીને ભેટ ધર્યા હતા. ભરૂચના ખલાસીઓએ બનાવેલા રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.

Most Popular

To Top