Gujarat

ઘર ખર્ચ પર ફરી મોંઘવારીનો માર,ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ફરી આગ, એક જ ઝાટકે રૂ.50નો વધારો

15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2765 સુધી પહોંચ્યો

ગુજરાતમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકો પર મોંઘવારીનો વધુ એક બોજો આવ્યો છે. ખાસ કરીને સિંગતેલના ભાવમાં અચાનક રૂ.50નો વધારો નોંધાતા બજારમાં હલચલ મચી ગઈ છે. હાલ 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.2765 સુધી પહોંચી ગયો હોવાનું વેપારી વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.રાજ્યના વિવિધ શહેરોમાં સિંગતેલના વધેલા ભાવને કારણે ગૃહિણીઓમાં ચિંતા વધી. છેલ્લા કેટલાક દિવસોથી તેલબજારમાં સતત ચડઉતર જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે ફરી એકવાર મોટો વધારો થતાં મધ્યમવર્ગીય પરિવારોના રસોડાના બજેટ પર સીધી અસર પડી છે.

મગફળીના બજાર અને માંગમાં વધારો કારણભૂત
વેપારીઓના જણાવ્યા અનુસાર મગફળીના ભાવમાં વધારો, સ્થાનિક બજારમાં માંગ વધવી અને સપ્લાયમાં થતી અછતને કારણે સિંગતેલ મોંઘું બન્યું છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલની કિંમતોમાં ચાલી રહેલી તેજીનો પણ સ્થાનિક બજાર પર પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં જો મગફળીની આવક ઓછી રહેશે તો ભાવમાં હજુ વધુ વધારો થઈ શકે છે. બીજી તરફ કેટલાક વેપારીઓનું માનવું છે કે બજારમાં હાલની અસ્થિરતા તાત્કાલિક છે અને સપ્લાય સુધરતાં ભાવ સ્થિર થઈ શકે છે.

કપાસિયા તેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ અસર
સિંગતેલ ઉપરાંત કપાસિયા તેલ અને અન્ય ખાદ્યતેલના ભાવમાં પણ હલચલ જોવા મળી રહી છે. બજારમાં અનેક બ્રાન્ડના તેલના ડબ્બામાં રૂ.20થી રૂ.75 સુધીનો ફેરફાર નોંધાયો હોવાનું જાણવા મળે છે. વેપારીઓ મુજબ ઉનાળાની સીઝનમાં ખાદ્યતેલની માંગ સામાન્ય રીતે વધી જાય છે, જેના કારણે બજારમાં ભાવમાં તેજી જોવા મળે છે. લગ્નસરા અને સામાજિક પ્રસંગોની સીઝનને કારણે પણ ખરીદી વધી રહી છે

સામાન્ય જનતા પર સીધી અસર
મોંઘવારી વચ્ચે સિંગતેલના વધેલા ભાવ સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બન્યા છે.ખાસ કરીને રોજિંદા વપરાશમાં આવતી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા હોવાથી ઘરખર્ચનું સંચાલન મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. ગૃહિણીઓનું કહેવું છે કે દાળ, શાકભાજી અને ગેસ બાદ હવે તેલના ભાવમાં વધારો થતાં માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

આગામી દિવસોમાં વધુ વધારાની આશંકા
બજાર નિષ્ણાતોના મતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત રહેશે અને સ્થાનિક સપ્લાયમાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. હાલમાં વેપારીઓ અને ગ્રાહકો બંને બજારની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Most Popular

To Top