Dakshin Gujarat

‘મઢી સુગરમાં મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખેલા’ કહી પતિએ યુવકને ચપ્પુનાં ઘા ઝીંક્યા

સાપુતારા : ડાંગનાં (Dang) વઘઇ (Vaghai) તાલુકાનાં સાજુપાડા ગામનાં ઈસમે પત્ની (Wife) સાથેનાં આડા સંબંધનાં વહેમમાં અન્ય ઈસમનાં પેટમાં ઉપરા છાપરી ચપ્પુનાં (Knife) ઘા કરતા વઘઇ પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વઘઇ તાલુકામાં સમાવિષ્ટ પાતળી ગામનાં નાનુભાઈ છગનભાઈ પવાર સગા સંબધી સાથે ગતરોજ ઈલમભાઈ શત્રુભાઈ પવારનાઓની પીકઅપ ગાડી. નં. જી.જે.05.બી.યુ.9363માં બેસી સાજુપાડા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. અહી સાંજે સાતેક વાગ્યાનાં અરસામાં નાનુભાઈ પવાર લગ્નનાં માંડવામાંથી જમણવાર કરી ખુરશીમાં બેઠા હતા.

તે દરમ્યાન સાજુપાડા ગામ ખાતે રહેતા સુનિલભાઈ ફુલજીભાઈ પવાર હાથમાં ચપ્પુ લઈ આવ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે મઢી સુગરમાં મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખેલા હતા. જેની જૂની અદાવતમાં સુનિલ પવારે ઉગ્ર ઝગડો કરી ચપ્પુથી નાનુભાઈ પવારનાં પેટનાં જમણી અને ડાબી બાજુએ ઉપરા છાપરી ઘા કરી ઇજાગ્રસ્ત બનાવ્યો હતો. નાનુભાઈ પવારનાં પેટમાંથી લોહી નીકળતા તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જે બનાવ બાબતે નાનુભાઈ પવારની ફરીયાદનાં આધારે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધરમપુરમાં પત્નીની હત્યાનો આરોપી પતિ સબજેલમાં ધકેલાયો
ધરમપુર : ધરમપુરના પીપલપાડા ગામે નજીવી બાબતે પતિએ લાકડાના ફટકા મારી પત્નીને મોતનેં ઘાટ ઉતારી દેવાના પકરણમાં પોલીસે કોટૅમાં રજુ કરતાં કોર્ટે આરોપીને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ધરમપુરના પીપલપાડાના મૂળગામ ફળીયા ખાતે રહેતા રામચંદ જાનુંભાઈ પાડવી ખેતી તથા મજૂરી કરી પરીવારનુ ગુજરાન ચલાવી રહ્યા છે. તેમને ત્રણ સંતાન પૈકી પુત્રીના લગ્ન મહારાષ્ટ્રમાં રહે છે. જ્યારે એક પુત્ર સુરત અને બીજો બરોડા નોકરી કરતો હોવાથી ત્યાં જ રહે છે, જેથી રામચંદ પત્ની જમનીબેન સાથે રહેતા હતા.

દંપતિ વચ્ચે અવાર નવાર નજીવી બાબતે ઝગડો થતાં થોડા સમય અગાઉ જમનીબેન મહારાષ્ટ્રના સુરગાણા ખાતે પુત્રીને ત્યાં રહેવા ગઈ હતી. જે બાદ ફરી પતિના ઘરે રહેવા માટે આવી ગઈ હતી. દરમિયાન પતિએ ઘરમાં લાકડાના બોથડ પદાર્થ માથાના ભાગે ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બનાવ અંગે ધરમપુર પોલીસ મથકે મૃતકની પુત્રી નિર્મલાબેને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. પતિએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવાના પ્રકરણમાં પોલીસે આરોપી રામચંદ પાડવીની અટક કરી કોટૅમાં રજુ કરતાં ધરમપુર કોર્ટે આરોપીને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top