Dakshin Gujarat

દમણમાં કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રિપલ અકસ્માત સર્જાયો

દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) કચીગામ ચાર રસ્તા પાસે એક કાર (Car) ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા એક રિક્ષા (Auto) અને બાઈક (Bike) ચાલકને અડફેટે લેતા ગંભીર અકસ્માત (Accident) સર્જાતા આ ઘટનામાં કાચ ચાલક સહિત 5 વ્યક્તિને હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે કચીગામ પોલીસે (Police) અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળી રહેલી જાણકારી મુજબ બુધવારે બપોરે કારના ચાલક વિજય પવાર પોતાના સાથી મિત્ર આસીફ અને શ્યામ સાથે કચીગામ ચાર રસ્તાથી ચેકપોસ્ટ તરફ જઈ રહ્યો હતો. જ્યાં અચાનક કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પાસે ઉભેલી એક રિક્ષાના ચાલક કિશન હળપતિ તથા એક બાઈકના ચાલક બાલુ પટેલને અડફેટે લીધા બાદ કાર ક્ષતિગ્રસ્ત થયા બાદ હવામાં ફંગોળાઈ રસ્તા આડી સ્થિતિમાં પડતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે તુરંત આસપાસના લોકોની સાથે રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકો દોડી આવ્યા હતા. રસ્તા પર ગંભીર અવસ્થામાં પડેલા રિક્ષા ચાલક અને બાઈક સવારની સાથે કારમાં બેઠેલા ઈજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે મરવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કારમાં સવાર શ્યામ આમલે તથા આસીફ સૈયદને કમરના તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, આ ઘટનામાં કાર ચાલક સહિત કારમાં બેઠેલા અન્ય 2 વ્યક્તિ નશાની હાલતમાં હતા કે કેમ એ મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. હાલ તો આ મામલે કચીગામ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગણદેવીમાં ઘર નજીક ચાલવા નીકળેલા યુવાનનું બાઈક અડફેટે મોત
ગણદેવી : ગણદેવીમાં ઘર નજીક ચાલવા નીકળેલા યુવાનને બાઈક ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના માંકલા ફળીયામાં યોગેશભાઈ કિશોરભાઈ હળપતિ (ઉ.વ.38) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ મોડી સાંજે યોગેશભાઈ જમ્યા બાદ તેમના ઘર નજીક આવેલા ગૌરવ પથ ઉપર ચાલવા નીકળ્યા હતા. ત્યારે બાઈક (નં. જીજે-21-બીપી-2678) ના ચાલક અને ગણદેવી તાલુકાના બંધારા ફળિયામાં રહેતા દિવ્યેશ દશરથભાઈ પટેલે યોગેશભાઈને ટક્કર મારી હતી. જેના પગલે યોગેશભાઈ રસ્તા પર પટકાતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ થયા હતા. જેથી ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ યોગેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે દમણિયા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બાબતે મૃતકના મોટા ભાઈ વિનોદભાઈએ ગણદેવી પોલીસ મથકે બાઈક ચાલક દિવ્યેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top