National

આ વીડિયો જોઈ તમે જ નક્કી કરો કોહલી આઉટ કે નોટઆઉટ? BCCIએ વીડિયો ટ્વીટ કરી અમ્પાયરના નિર્ણય પર કટાક્ષ કર્યો

મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ (India New zealand) શ્રેણી ફરી એકવાર અમ્પાયરિંગને (Umpiring) લઈને ચર્ચામાં છે. આ વખતે વાત છે વિરાટ કોહલીની (Virat Kohli Wicket) વિકેટની. એજાઝ પટેલની બોલ પર કોહલીને LBW આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ડીઆરએસ (DRS) લીધું, પરંતુ નિર્ણય તેના પક્ષમાં ન ગયો. આના પર કોહલી ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો અને ગુસ્સામાં તેણે પોતાનું બેટ બાઉન્ડ્રી લાઇન પર માર્યું હતું.

વિરાટ કેમ ગુસ્સે થયો?

80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ બાદ ભારતે એક જ સ્કોર પર શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો. તેની સામે એજાઝ પટેલ બોલિંગ કરી રહ્યો હતો. એજાઝે તેના એક બોલ પર કોહલી સામે LBWની અપીલ કરી. સામે ઉભેલા અમ્પાયરે અનિલ ચૌધરીએ તેને આઉટ જાહેર કર્યો. ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપતા કોહલીએ તરત જ રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં દેખાતું હતું કે બોલ બેટમાં વાગીને પેડમાં વાગે છે. બેટમાં બોલ વાગ્યો હોવાનું સ્પષ્ટ જણાતું હોવા છતાં થર્ડ અમ્પાયરે એવું કારણ આપ્યું હતું કે બોલ બેટમાં પહેલા વાગ્યો કે પેડમાં તેનો કોઇ કન્ક્લુઝન એવિડન્સ મળ્યો નથી અને તેના કારણે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય માન્ય રખાયો હતો. કોહલી આ નિર્ણયથી ઘણો નારાજ દેખાઈ રહ્યો હતો. પેવેલિયન તરફ જતી વખતે તેણે ગુસ્સામાં પોતાનું બેટ બાઉન્ડ્રી લાઇન પર માર્યું.

વિરેન્દ્ર શર્માએ સૂર્યકુમાર યાદવને પણ ખોટો આઉટ આપ્યો હતો

ફિલ્ડ પરના અમ્પાયરથી ભૂલ થાય તે સમજી શકાય પરંતુ થર્ડ અમ્પાયર ખોટી રીતે આઉટ આપે તો તે વિવાદનું સ્વરૂપ લે છે. તેમાંય જ્યારે વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હોય કે બોલ પહેલાં બેટ ને અને ત્યાર બાદ પેડને અડ્યો છે તેમ છતાં કોહલીને આજે લેગ બિફોર આઉટ આપવામાં આવ્યો હતો. આ વિવાદાસ્પદ નિર્ણય થર્ડ અમ્પાયર વિરેન્દ્ર શર્માએ આપ્યો છે. વિરેન્દ્ર શર્મા અગાઉ પણ ખોટા નિર્ણયો જાહેર કરવા માટે વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. ઈંગ્લેન્ડ સામેની વનડેમાં સૂર્યકુમાર યાદવને ખોટો આઉટ આપ્યો હતો. તે પહેલાં આઈપીએલમાં ખોટા નિર્ણયો બદલ કોહલી અને અમ્પાયર શર્મા વચ્ચે અનેક તકરારો થઈ ચૂકી છે. કોહલીએ અમ્પાયર શર્મા વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

બીસીસીઆઈએ વીડિયો ટ્વીટ કરી અમ્પાયરીંગ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો, યુઝર્સે અમ્પાયર સામે ભડાશ કાઢી

કેપ્ટન વિરાટ કોહલીને ખોટો આઉટ આપવામાં આવ્યો તે મામલે BCCI પણ નારાજ થયું હતું. BCCI એ તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર કોહલીની વિકેટનો વીડિયો ટ્વીટ કરીને યુઝર્સને પૂછ્યું કે, તમે જ નક્કી કરો કે આઉટ છે કે નોટ આઉટ? ક્રિકેટ ફેન્સે આ વીડિયો પર અમ્પાયરીંગ સામે જબરદસ્ત ભડાશ કાઢી હતી.

વિરાટ-પુજારા શૂન્ય પર આઉટ થયાની રસપ્રદ હકીકત
વિરાટ કોહલી તેની ટેસ્ટ કારકિર્દીમાં 14મી વખત શૂન્ય પર આઉટ થયો. ન્યુઝીલેન્ડ સામે આ તેની પ્રથમ શૂન્ય હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલ પૂજારા પણ શૂન્ય પર આઉટ થયો હતો. ટેસ્ટ મેચમાં આ તેની 10મી શૂન્ય હતી. જોકે, તે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો હતો. આ પહેલા બંને બેટ્સમેન 2014 અને 2018માં એક જ ટેસ્ટ ઇનિંગ્સમાં આઉટ થયા હતા. જ્યારે 2014માં ઈંગ્લેન્ડની ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટમાં આવું બન્યું હતું, ત્યારે તે ટેસ્ટ ભારત હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાના એમસીજી ગ્રાઉન્ડ પર 2018માં પણ આવું જ થયું હતું, પરંતુ તે પછી ભારતે ટેસ્ટ મેચ જીતી લીધી હતી.

Most Popular

To Top