ગુજરાતમાં 165 કોરોના પોઝિટિવ, નવા 19

ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં પણ પહેલો કેસ દેખાયો છે. પાટણના સિદ્ધપુરના એક જ ગામના ત્રણ યુવાનોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું. જો કે, સારી બાબત એ છે કે, અત્યાર સુધીમાં 33 લોકો રિકવર પણ થયાં છે.દરમિયાન ગઇકાલે રાત્રે રાત્રે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર ગ્રુપની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારે કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારી આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમએલએ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ-2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરી તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતાં ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.

Related Posts