ગાંધીનગર: આગામી ચોમાસા પહેલાં જળસંચયના કામોનું આગોતરું આયોજન કરીને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય અને જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા યથાવત્ જળવાઈ રહે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેકટરોને સ્પષ્ટ સૂચન કર્યું છે. રાજ્યમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા માટે ભારત સરકારના જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આ આહ્વાન કર્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ, વિભાગના સચિવ કાન્તારાવ સહિતના અધિકારીઓ દિલ્હીથી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને વરિષ્ઠ સચિવો ગાંધીનગરથી જોડાયા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાઓએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના સંગ્રહ અને સંચયના કામો આયોજનબદ્ધ રીતે હાથ ધરવા જોઈએ. જે જિલ્લાઓમાં કામગીરી ઓછી થઈ છે ત્યાં વધુ ગતિ લાવવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા દરેક ધારાસભ્યને જળસંચય-જળસંગ્રહ માટે ફાળવેલી રૂ. 50 લાખની ગ્રાન્ટનો પણ પૂરતો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને ફાળવાયેલી રૂ. 553 કરોડની ગ્રાન્ટ સહાયનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-2026 પહેલાં થઈ જાય તે માટે વ્યાપક જળસંચયના કામો ત્વરાએ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલએ જણાવ્યું હતું કે, જૂના બોર રિચાર્જ માટે 90 ટકા સહાય કેન્દ્ર સરકાર તરફથી મળતી હોવાથી રાજ્યને મોટો લાભ થયો છે. તેમણે NGOsને વધુ સક્રિય રીતે જોડવા તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી વોટર સ્ટ્રક્ચર નિર્માણ પર ભાર મૂક્યો હતો. પાટીલે કહ્યું હતું કે, વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત મળનારા ફંડમાંથી 40 ટકા રકમ જળસંચય-જળસંગ્રહના કામો માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ઉદાર જોગવાઈ છે. ચાલુ વર્ષે 31 મે, 2026 સુધીમાં દેશભરમાં એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચર બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જળસંચય જન ભાગીદારી-1 અભિયાન હેઠળ ગુજરાતમાં 1,33,522થી વધુ જળસંચયના કામો પૂર્ણ થયા છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગ, રિચાર્જ ટ્યુબવેલ, તળાવ ઊંડા કરવું, ખેત તલાવડી, ફિલ્ટર વેલ જેવા કાર્યોના પરિણામે ભુગર્ભ જળ રિચાર્જમાં નોંધપાત્ર વધારો થયો છે.