વલસાડમાં પતિની આંખમાં મરચાંની ભૂંકી નાંખી પત્નીએ હત્યા કરી: કારણ જાણી લોકો ચોંકી ગયા

વાપી: (Valsad) વલસાડ નજીકના ફલધરા ગામે એક પરિણીતાની (Married woman) આંખ રિક્ષાવાળા (Auto Driver) સાથે મળી જતાં પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડા વધતા ગયા હતા. પ્રેમસબંધમાં (Love Relationship) આડખીલી બનતા પતિની પત્નીએ તેના પ્રેમી સાથે મળી ઘાતકી હત્યા (Murder) કરી દીધી હતી. જે કેસની અંતિમ સુનાવણી સોમવારે હાથ ધરાતા વલસાડ કોર્ટના મુખ્ય સેશન્સ જજ એમ. કે. દવેએ પ્રેમી સાથે મળી પતિની આંખમાં મરચાંની ભૂકી નાખી હત્યા કરનાર પત્ની શોભનાબેન જયસુખભાઇ પટેલ અને પ્રેમી રિક્ષા ચાલક અજીત ઝવેરભાઈ પટેલને ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી દોષીત જાહેર કરવાનો હુકમ કર્યો હતો. જેમાં બંને હત્યારાને આજીવન કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

વલસાડના ફલધરાની પરિણીતાની રિક્ષાવાળા સાથે આંખ મળી ગઈ હતી, આડખીલી રૂપ બનતા પતિની 2018માં હત્યા કરી હતી

આ કેસની વિગત એવી છે કે, વલસાડ નજીકના ફલધરા ગામેં કંભાર ફળિયામાં રહેતી શોભનાબેન જયસુખભાઈ ધો. પટેલ અને પારડીના નેવરીમાં રહેતો રિક્ષાવાળો અજિત ઝવેરભાઈ પટેલ વચ્ચે આંખ મળી જતાં બંને પ્રેમમાં પાગલ બની ગયા હતા. આ બંને પ્રેમીપંખીડા પ્રેમમાં આંધળા બની જતાં પરિણીતા શોભનાના પતિ જયસુખને જાણ થતાં આ સંબંધ પર પૂર્ણવિરામ મુકવા ઘણીવાર સમજાવ્યા હતા. પતિ-પત્ની વચ્ચે આ પ્રેમ સંબંધને લઈ રોજબરોજ નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા. શોભના અને અજિતના પ્રેમસબંધમાં આડખીલી બનનાર પતિ જયસુખને હટાવવા શોભના અને અજિતે એક પ્લાન બનાવી અદાવત રાખી બંનેએ ભેગા મળી એકબીજાની મદદથી ગત 22/01/2018ના રોજ કોઈ હથિયાર વડે માથાના, કાનના અને ઉપરના હોઠના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાંખી હતી.

આ કેસમાં રૂરલ પોલીસના પીએસઆઈ એસ.જે.પંડ્યાએ શોભના અને અજીતની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. આ કેસ વલસાડ કોર્ટમાં 3 વર્ષ સુધી ચાલતાં અંતિમ સુનાવણી સોમવારે હાથ ધરાઈ હતી. જેમાં વલસાડ કોર્ટના મુખ્ય સેશન્સ જજ એમ. કે. દવેએ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી પતિની હત્યા કરનાર પત્ની શોભના અને પ્રેમી અજીત હત્યા કેસેમાં દોષીત જાહેર કરી બંને હત્યારાને આજીવન કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડના ભરે તો વધુ છ મહિના સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત આઇપીસીની કલમ ૨૦૧નાં ગુનામાં એક વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦૦૦નો દંડ અને દંડના ભરે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. બંને આરોપીઓએ તમામ સજા એક સાથે ભોગવવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉપરાંત જયસુખ પટેલના બે સંતાનને વળતર ચૂકવવા કોર્ટ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને કેસ રીફર કરવામાં આવ્યો છે.

જિલ્લામાં મહિલાને આજીવન કેદની સજા થયાનો બીજો બનાવ

વલસાડ જિલ્લામાં પ્રેમસંબંધને લઈ નડતરરૂપ પતિ કે સંતાનને મોતને ઘાટ ઉતારનાર મહિલાને આજીવન કેદની સજા થયાનો આ બીજો કેસ છે. અગાઉ ગત 30/10/2010ના રોજ એક પરિણીતા અને તેના પ્રેમીએ સાથે મળી પ્રેમસબંધમાં આડખીલી બનનાર દિકરીને ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમાં કોર્ટે દિકરીની હત્યા કરનાર હત્યારી માતાને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યો ઉપરોક્ત બીજા બનાવ ગત 22/01/2018ના રોજ બન્યો હતો. આ બંને કેસમાં પ્રેમસંબંધ જ કારણભૂત રહ્યો હતો.

Related Posts