Charchapatra

અધિકારીઓ નોકરી સિવાયના સમયે કર્મચારીને હેરાન ન કરે

હાલમાં પોર્ટુગલ સરકારે કર્મચારીનાં અંગત જીવનને સંરક્ષણ આપતો શ્રમ કાયદો પસાર કર્યો છે. જેનાં નોકરીનાં કામનાં કલાક પૂરા થયા બાદ કે રજાના દિવસોમાં તમારા બોસ કે ઉપરી અધિકારી તમને ફોન કે ટેકસ્ટ મેસેજ કરે તો તે બોસ કે ઉપરી અધિકારીને દંડિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈન્ટરનેટ જેવા ખર્ચાઓની પણ ચૂકવણી કરવાનું પણ ફરમાવવામાં આવ્યું છે. કાયદાનો મુખ્ય ઉદ્દેશ કામદારને કાર્ય અને જીવન વચ્ચે સંતુલન સાધવાનો છે.

કર્મચારીની પ્રાઈવસી જાળવીને નોકરીદાતાનો હસ્તક્ષેપ ઓછો કરવાનો છે. આપણા ભારતમાં પણ ખાસ કરીને કોરોના કાળ પછી જ્યારે ઈન્ટરનેટ, વ્હોટસએપ જેવાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખાનગી કંપનીઓ જ નહી પરંતુ સરકારી એકમો, અધિકારીઓ પણ જાણે સમગ્ર સંચાલન વ્હોટસએપથી કરતાં હોય એવું  પ્રતિત થાય છે. રાતે 10 વાગ્યે ઉપરી અધિકારીને ટેકસ્ટ મેસેજ કે વોઈસ મેસેજ આવે કાલે સવારે 10 સુધી ફલાણી ફલાણી માહિતી આ પ્રકારનાં પત્રકમાં ભરી મોકલશો જેમાંની કેટલીક માહિતી તો ખરેખર શરૂઆતથી જ મુખ્ય ઓફીસ પાસે હોય છે.

દા.ત. તમારી શાળામાં કુલ કેટલા વર્ગખંડ છે ? કેટલી બેંચ છે ? કેટલાં શિક્ષકો છે ? વગેરે રન ફોર યુનિટીમાં કેટલાં લોકોએ ભાગ લીધો બપોર સુધીમાં વ્હોટસએપ કરો ? કેટલીક વાર તો એટલી હાસ્યાસ્પદ માહિતી મંગાવવામાં આવે છે કે કર્મચારીને એ ટોર્ચર સમાન લાગે. સામાજિક કારણોસર રજા લીધી હોય અને કોઈ પ્રસંગમાં હાજર હોય ત્યારે, હોસ્પિટલમાં સ્વજન બીમાર હોય અને ટેન્શનમાં હોઈએ ત્યારે આ પ્રકારના મેસેજથી અને કર્મચારી દુ:ખી દુ:ખી થઈ જતો હોય છે. ભારતમાં પણ કર્મચારીને આ પ્રકારની કનડગતથી છૂટકારો મળવો જોઈએ. બોસ કે અધિકારીઓ જે સત્તાનો દુરૂપયોગ કરે છે તેને અધિકારીઓની અકાર્યક્ષમતા જ કહી શકાય કારણકે તેઓને એ વાત નોકરીનાં સમય દરમ્યાન ન યાદ આવી અને ત્યારબાદનાં સમયમાં માહિતી મંગાવે તો એ દંડનીય જ છે. ટેકનોલોજી આશીર્વાદ રૂપ હોવી જોઈએ અભિશાપરૂપ નહિ.
નવસારી           – ધર્મેશ કાપડીયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top