Gujarat Main

કેબિનેટમાં 7 મંત્રી 10 ચોપડીથી ઓછું ભણેલા: જાણો કોણ કેટલું ભણ્યું છે અને કોની પાસે કેટલી સંપત્તિ છે?

અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાની પહેલી ટર્મના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન કર્યા બાદ ભાજપે વધુ એક આંચકો આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં સાવ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. એકેય જૂના મંત્રીને રિપીટ નહીં કરીને ભાજપે આશ્ચર્ય સર્જયું છે. નવા મંત્રી મંડળમાં સૌથી યુવાન સુરત મજુરા વિધાનસભાના હર્ષ સંઘવી છે. હર્ષ સંઘવીની ઉંમર 36 વર્ષ છે, જ્યારે સૌથી વૃદ્ધ પારડીના કનુ દેસાઈ છે. કનુ દેસાઈની ઉંમર 70 વર્ષ છે.
મુખ્યમંત્રીની કેબિનેટમાં 10 કેબિનેટ મંત્રી, 5 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને 9 રાજ્યકક્ષાના મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવા મંત્રીઓમાં સૌથી વધુ ધનવાન વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદી છે. તેઓ પાસે કુલ 6.74 કરોડની ચલ-અચલ સંપત્તિ છે, જ્યારે સૌથી ઓછી સંપત્તિ મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહણ પાસે 12 લાખની છે.
ભૂપેન્દ્ર પટેલના કેબિનેટના નવા મંત્રીઓ શિક્ષણ બાબતે ખાસ નથી. કેશોદના દેવા માલમ માત્ર 4 ચોપડી ભણ્યા છે, જ્યારે ધોરણ 10થી ઓછું ભણેલા મંત્રીઓની સંખ્યા 7 છે. સંતરામપુરના કુબેર ડીંડોર Ph.D થયા છે. તેમનાથી વધુ કોઈનો અભ્યાસ નથી.

પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
સુરત પશ્ચિમની વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઉમર 56 વર્ષ છે. તેઓએ B.COM સુધી અભ્યાસ કર્યો છે. તેઓની કુલ સંપત્તિ 1.73 કરોડ છે.

હર્ષ સંઘવી, મજુરા
8 જાન્યુઆરી 1985ના રોજ જન્મેલા હર્ષ સંઘવીની ઉંમર 36 વર્ષ છે. તેઓ પાસે 2.12 કરોડની સંપત્તિ છે. તેઓ 8 ધોરણ સુધી ભણ્યા છે.
માત્ર 36 વર્ષની ઉંમરે મંત્રી બનનાર હર્ષ સંઘવી કેબિનેટમાં સૌથી યુવાન છે. હર્ષ સંઘવી 2013માં મજૂરા વિધાન સભાની સીટ પર રેકોર્ડ માર્જીનથી જીતી રાજ્યમાં ચોથા ક્રમે સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર બન્યા હતા. કોરોના મહામારી વખતે દર્દીઓની સારવાર માટે તનતોડ મહેનત કરનાર મજૂરા વિધાન સભાના હર્ષ સંઘવીને શિરપાવ મળ્યું છે.

વિનુ મોરડીયા, કતારગામ
કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયાને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. તેમની ઉંમર 54 વર્ષ છે અને તેઓ 10મું પાસ છે. તેઓ પાસે 3.49 કરોડની ચલ-અચલ સંપત્તિ છે.

મુકેશ પટેલ, ઓલપાડ
ઓલપાડ સુરતના ધારાસભ્ય મુકેશ પટેલની ઉંમર 51 વર્ષ છે. તેઓ 12 ધોરણ સુધી ભણ્યા છે. તેમની પાસે 3.12 કરોડની સંપત્તિ છે.

રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
LLB સુધીનો અભ્યાસ કરી ચૂકેલા 67 વર્ષીય રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના ધારાસભ્ય છે. મંત્રી બનવા પહેલાં તેઓ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓની કુલ સંપત્તિ 6.74 કરોડ છે.

કનુ દેસાઈ, પારડી
પારડીના કનુ દેસાઈ LLB સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓની ઉંમર 70 વર્ષ છે અને તેઓ પાસે કુલ ચલ-અચલ 4.35 કરોડની સંપત્તિ છે.

અર્જૂનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની કુલ સંપત્તિ 12.57 લાખ છે. તેઓ B.Com. સુધી અભ્યાસ કરી ચૂક્યા છે અને તેમની ઉંમર 45 વર્ષ છે. 

ઋષિકેશ પટેલ, વિસનગર
ડિપ્લોમા સિવિલ એન્જિનિયર થયેલા ઋષિકેશ પટેલ વિસનગરના ધારાસભ્ય છે. તેઓની ઉંમર 61 વર્ષ અને સંપત્તિ 6 કરોડ છે.

નરેશ પટેલ, ગણદેવી
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની ઉંમર 53 વર્ષ છે. તેઓ 10મું ધોરણ પાસ છે અને તેમની પાસે કુલ 1.50 કરોડની સંપત્તિ છે.

જીતુ વાઘાણી, ભાવનગર
ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો કેબિનેટમાં સમાવેશ કરાયો છે, તેઓની ઉંમર 52 વર્ષ છે. તેઓએ LLB નો અભ્યાસ કર્યો છે અને તેમની પાસે 4.5 કરોડની ચલ-અચલ સંપત્તિ છે.

કિરીટ રાણા, લિંબડી
લિંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટ રાણાની ઉંમર 57 વર્ષ છે. તેઓ 10મું ધોરણ પાસ છે. તેમની પાસે 2.22 કરોડની સંપત્તિ છે.

પ્રદીપ પરમાર, અસારવા
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારનો પણ કેબિનેટમાં સમાવેશ કરાયો છે, તેઓની ઉંમર 57 વર્ષ છે અને તેઓ 10મું ધોરણ પાસ છે. તેમની સંપત્તિ 23 લાખ છે.

રાઘવજી પટેલ, જામનગર રૂરલ
જામનગર રૂરલના રાઘવજી પટેલની પાસે 2.65 કરોડની સંપત્તિ છે. તેઓની ઉંમર 63 વર્ષ છે અને તેઓએ LLB સુધીનો અભ્યાસ કર્યો છે.

કુબેર ડીંડોર, સંતરામપુર
પંચમહાલના સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડીંડોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે, તેઓની ઉંમર 51 વર્ષ છે. તેઓએ Ph.Dનો અભ્યાસ કર્યો છે અને તેમની સંપત્તિ 1.5 કરોડ છે.

અરવિંદ રૈયાણી, રાજકોટ પૂર્વ
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને કેબિનેટમાં સમાવાયા છે. તેઓની ઉંમર 44 વર્ષ છે અને તેઓ 8 ધોરણ પાસ છે. તેમની પાસે 1.84 કરોડની સંપત્તિ છે.

કિર્તીસિંહ વાઘેલા, કાંકરેજ
કાંકરેજના કિર્તીસિંહ વાઘેલાની ઉંમર 52 વર્ષ છે. તેમનો અભ્યાસ 12 ધોરણ સુધી છે. તેમની પાસે 53 લાખની સંપત્તિ છે.

નિમીષા સુથાર, મોરવા હડફ
મોરવાના નિમીષા સુથાર 12મું ધોરણ સુધી ભણ્યા છે. તેમની ઉંમર 38 વર્ષ છે. તેમની પાસે 35 લાખની સંપત્તિ છે.

બ્રિજેશ મેરજા, મોરબી
મોરબીના બ્રિજેશ મેરજાને રાજ્ય કક્ષાના મંત્રીની જવાબદારી સોંપાઈ છે. તેમની ઉંમર 63 વર્ષ છે. તેઓ પાસે 91 લાખની સંપત્તિ છે. તેઓનો અભ્યાસ B.Com સુધીનો છે.

જીતુ ચૌધરી, કપરાડા
વલસાડના કપરાડાના જીતુ ચૌધરીની ઉંમર 57 વર્ષ છે. તેઓ 8 ધોરણ સુધી ભણ્યા છે. તેમની પાસે 1.20 કરોડની સંપત્તિ છે.

આર.સી. મકવાણા, મહુવા-ભાવનગર
મહુવાના ધારાસભ્ય આર.સી. મકવાણાને કેબિનેટમાં મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે. તેઓની ઉંમર 52 વર્ષ અને અભ્યાસ 10 ધોરણ સુધીનો છે. તેઓ પાસે 91 લાખની સંપત્તિ છે.

દેવા માલમ, કેશોદ
મંત્રીમંડળમાં દેવા માલમના સમાવેશની ચર્ચા પહેલેથી જ ચાલતી હતી. તેઓ 4 ચોપડી ભણ્યા છે. તેમની ઉંમર 62 વર્ષ અને સંપત્તિ 5.23 કરોડ છે.

ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમારની ઉંમર 43 વર્ષ છે. તેઓ BA પાસ છે અને તેમની પાસે 43 લાખની સંપત્તિ છે.

 

Most Popular

To Top