Surat Main

દક્ષિણ આફ્રિકાથી 9 સહિત 351 લોકો વિદેશથી સુરત આવતા તંત્ર એલર્ટ, જાણો કયા દેશમાંથી કેટલા લોકો આવ્યા?

સુરત: વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટને લઈ હડકંપ મચી ગયો છે. અને વિશ્વભરના દેશો પણ એલર્ટ (Alert) થઈ ગયા છે. વિશ્વના જે 11 દેશોમાં કોરોનાના(Corona) આ નવા વેરિએન્ટ (Variant) એમિક્રોનના (Omicron) કેસો વધી રહ્યા છે. ખાસ કરીને આ દેશોમાંથી આવેલા નાગરિકોની યાદી સુરત મનપા પાસે અપડેટ (Update) થઈ રહી છે. જેના થકી મનપા દ્વારા આ નાગરિકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા 6 દિવસમાં શહેરમાં કુલ 119 પ્રવાસીઓ આવ્યા છે. જે પૈકી મનપાએ હાલમાં કુલ 78 ના આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા છે. જેઓના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. આજદિન સુધીમાં કોઈ પોઝિટિવ આવ્યા નથી. દરમિયાન છેલ્લાં 24 કલાકમાં જુદા જુદા દેશોમાંથી સુરતમાં કુલ 351 લોકો આવ્યા છે, જે પૈકી 9 લોકો દક્ષિણ આફ્રિકાથી આવ્યા છે. આ તમામને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સુરત મનપાનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે અને તમામના ટેસ્ટ કરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

મનપાના આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સુરત મનપા દ્વારા દરરોજ વિદેશથી આવતા નાગરિકોને સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઇનમાં રહેવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં એમિક્રોન વેરિએન્ટના જે દેશમાં સૌથી વધુ કેસો છે તે દેશમાંથી પરત આવેલા નાગરિકોના ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવા આદેશ અપાયા છે. જેથી મનપા દ્વારા આ તમામ નાગરિકોના RTPCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. આ નાગરિકોના સાત દિવસ ક્વોરન્ટાઇન (Quarantine) પિરિયડ (Period) પૂર્ણ થયા બાદ પણ આરટીપીસીઆર કરવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે. જેનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ (Positive) આવશે તેના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાશે. હાલ મનપા દ્વારા કુલ 78 નાગરિકોના આરટીપીસઆર ટેસ્ટ કરાવ્યા છે જેઓના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે.

કયા દેશમાંથી કેટલાં લોકો આવ્યા?

સુરતમાં કુલ 351 લોકો વિદેશથી આવ્યા છે જેમાં અબુધાબીમાંથી 12, બેલ્જિયમ 10, કેનેડા 15, દોહા 21, દુબઈ 26, ન્યૂયોર્ક 10, શારજાહ 173, યુએસએ 35, યુકે 4, સાઉથ આફ્રિકા 9, મસ્કત 5, માલદીવ 7, ઓસ્ટ્રેલિયા 4, બેંગ્કોક 2, પેરિસ 2, શ્રીલંકા 2, કુવૈત 3, લંડન 3, નેપાળ 1, પાકિસ્તાન 1, ફ્રાન્સ 1, બાંગ્લાદેશ 1, એમ્સટરડમ 1 અને જર્મનીમાંથી 1 પ્રવાસી આવ્યા છે.

શહેરમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા

સુરત: વિશ્વમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનની એન્ટ્રીથી હડકંપ મચી ગયો છે. જે માટે તંત્ર દ્વારા તકેદારીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે. હાલમાં શહેરમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં છે પરંતુ નવા વેરીયન્ટને લઈ આવનારા દિવસોમાં સંક્રમણ વધે તો નવાઈ નહી. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ પાંચ કેસ નોંધાયા હતા, જેમાં અઠવા અને વરાછા-બી ઝોનમાં 2-2 કેસ અને રાંદેર ઝોનમાં 1 કેસ નોંધાયો હતો. વધુ 4 દર્દીઓ સાજા થયા છે.

Most Popular

To Top