Charchapatra

ડાંગનો દબદબો

હાલમાં જ આપણું ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાના વનવાસી પ્રદેશ ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. રાજયના સંપૂર્ણ રસાયણમુકત ખેતી કરતા પ્રથમ જિલ્લા બનવાનું સદ્‌ભાગ્ય ડાંગને પ્રાપ્ત થયું છે. સંભવત: આ બહુમાન મેળવનાર એ દેશનો પણ પ્રથમ જિલ્લો જ હશે! સમગ્ર ડાંગ પ્રદેશ અને ત્યાં વસનાર બહુસંખ્ય એવી આદિવાસી પ્રજા માટે આ એક ગૌરવપ્રદ અને બેમિસાલ કહી શકાય એવી ઘટના છે.

અન્ય જિલ્લાઓની તુલનામાં જેનું સ્થાન નિમ્ન કક્ષાએ અંકાતું હોય એવા ડાંગ જિલ્લાને આટલો ઉચ્ચ દરજ્જો અંકિત કરનારના સંપૂર્ણ શ્રેય અને યશ અગર કોઇને જતા હોય તો તે છે બેશક આપણા આદરણીય રાજયપાલ આચાર્ય દેવવ્રત. એનું કારણ તેઓ ખુદ પ્રકૃતિના પ્રખર પ્રેમી અને હિમાયતી છે. ગુરુકુળ-કુરુક્ષેત્રના આચાર્ય તરીકેના લગભગ 34 વરસના કાર્યકાળ દરમ્યાન અનેકવિધ પ્રાકૃતિક સંસ્થાપનોને મૂર્તિમંત કરવાની સાથે 175 એકર જેટલી જમીનમાં જૈવિક ખેતીનો સફળ પ્રયોગ પણ એમણે કર્યો છે. પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનો ભંડાર કહી શકાય એવા ડાંગને અનુપમ ગરિમા પ્રદાન કરવા વંદનીય આચાર્ય દેવવ્રતના ચિરકાલીન આભારી અને ઋણી રહેશે. દંડકારણ્યની ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિની વનાંચલી છાયામાં પાંગરતો ડાંગનો દબદબો સદાય ફૂલતો ફાલતો રહે એવી શુભકામના.
શેખપુર  – શાંતિલાલ પી. પટેલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top