ભિલાડ પોલીસ મથક વિસ્તારમાંથી અંદાજે ₹૩૮ લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બુટલેગર મિહિર જોરાવરસિંહ ચૌહાણની જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો.
LCBની બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી
આ સમગ્ર મામલો ૧૯ એપ્રિલ, ૨૦૨૬નો છે. તે દિવસે વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે બાતમી મળી હતી કે GJ-23-AW-8248 નંબરના ટેમ્પોમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.બાતમીના આધારે પોલીસે વલવાડા નજીક નેશનલ હાઈવે નં. 48 પર નાકાબંધી ગોઠવી ટેમ્પોને રોકી તપાસ હાથ ધરી હતી.
ટેમ્પોમાંથી ₹53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન પોલીસે કુલ ₹૫૩,૧૩,૫૦૪/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં—
₹૩૮,૦૭,૫૦૪/- કિંમતની 19,728 નંગ વિદેશી દારૂની નાની બોટલો
₹૧૫,૦૦,૦૦૦/- કિંમતનો આઈશર ટેમ્પો
₹૬,૦૦૦/- કિંમતના ૩ મોબાઈલ ફોન
નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી આરોપી મિહિર ચૌહાણને ઝડપી પાડ્યો હતો.
ગોવાથી દારૂ ભરાવવાનો ખુલાસો, જાવેદ મેમણ વોન્ટેડ
પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો વડોદરાના જાવેદ મેમણે ગોવાથી ભરાવી આપ્યો હતો. આ કામગીરી માટે આરોપીને અંદાજે ₹૧.૩૦ લાખ આપવાનું નક્કી થયું હતું. જાવેદ મેમણ સફેદ i10 કારમાં ટેમ્પોનું પાયલોટિંગ કરી રહ્યો હતો અને હાલ પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ ચલાવી રહી છે.
“ગુનો ગંભીર છે” સરકારી વકીલની દલીલ માન્ય
જેલમુક્ત થવા માટે આરોપી મિહિર ચૌહાણે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે કેસ ગંભીર સ્વરૂપનો છે અને તેમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ જજ ડૉ. એચ. એન. વકીલે આરોપીની જામીન અરજી ફગાવી દેવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયથી કેસમાં આરોપી માટે તાત્કાલિક રાહતનો રસ્તો બંધ થયો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે દર્શાવાયેલ જાવેદ મેમણની શોધ માટે પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે.