પારડી તાલુકાના ઓરવાડ ગામ સ્થિત સાઇ રેસિડન્સીમાં દિવસ દરમિયાન તાળું તોડી ચોરીની ઘટના ને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા તસ્કરે કનૈયાલાલ પેરાજભાઈ ભાનુશાલીના મકાનમાંથી અંદાજે ₹1.80 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કનૈયાલાલ ભાનુશાલી છેલ્લા આશરે 15 વર્ષથી દેસાઇવાડ વિસ્તારમાં “પરિચય કિરાણા સ્ટોર્સ” નામે દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટનાના દિવસે તેમની પત્ની અને પુત્ર વતનમાં ગયા હતા, જ્યારે કનૈયાલાલભાઈ અને તેમની પુત્રી ઘરે હાજર હતા.
પુત્રી ઘર બંધ કરી ચાવી છત્રીમાં મૂકી નોકરીએ ગઈ
સવારે કનૈયાલાલભાઈ દુકાને ગયા બાદ તેમની પુત્રીએ ઘર બંધ કરી ચાવી છત્રીમાં મૂકી નોકરીએ જવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બપોર દરમિયાન તેમના પુત્રએ ફોન કરીને જાણ કરી કે ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
તિજોરીનું લોકર તોડી 45 ગ્રામ સોનાના દાગીના ચોરી થઇ , ઘટનાની જાણ થતાં જ કનૈયાલાલભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા અને તપાસ કરતા જાણવા મળ્યું કે અજાણ્યા તસ્કરે દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં મળ્યો હતો.
ચોરોએ બેડરૂમમાં મુકેલી લોખંડની તિજોરીનું લોકર તોડી અંદાજે 45 ગ્રામ જેટલા સોનાના દાગીના ચોરી લીધા હતા. જેમાં સોનાનો હાર, ચેન, વીંટી, કાનની બુટ્ટીઓ, નથ અને વિવિધ પેન્ડલનો સમાવેશ થાય છે. આ દાગીનાની કુલ કિંમત આશરે ₹1.80 લાખ હોવાનું અનુમાન છે.
સવારે 9 થી બપોરે 1 વચ્ચે ચોરી થયાનો અંદાજ
પ્રાથમિક તપાસ મુજબ આ ચોરીની ઘટના સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યાની વચ્ચે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે કેસ નોંધવાની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં દિવસ દરમિયાન બનેલી આ ચોરીની ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.