ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના ગુણના આધારે તૈયાર થશે મેરિટ લિસ્ટ, 3 જૂને ફી ભરવાની રહેશે
ખાલી બેઠકો માટે 3-4 જૂને કેન્દ્રીય ફોર્મ વિતરણ, 6 જૂને થશે શાળા ફાળવણી પ્રક્રિયા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 1
વડોદરા જિલ્લાની સરકારી તથા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ શાળાઓના આચાર્યોને પરિપત્ર પાઠવી પ્રવેશ પ્રક્રિયા અંગેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
નિર્ધારિત કાર્યક્રમ મુજબ તા. 2 જૂન સુધી સવારે 10 વાગ્યા સુધી શાળા કક્ષાએ પ્રવેશ ફોર્મનું વિતરણ અને સ્વીકાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની માર્કશીટની ચકાસણી બાદ જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ તા. 2 જૂને સવારે 11 વાગ્યે દરેક શાળા પોતાના વિદ્યાર્થીઓની મેરિટ યાદી શાળાના નોટિસ બોર્ડ પર જાહેર કરશે.
મેરિટ યાદી તૈયાર કરતી વખતે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી (પ્રથમ અથવા દ્વિતીય ભાષા) વિષયોના ગુણને આધારે ક્રમ નક્કી કરવામાં આવશે. પ્રથમ પ્રવેશ યાદીમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ તા. 3 જૂનના રોજ શાળા સમય દરમિયાન નિયત ફી ભરવાની રહેશે.
લઘુમતી શાળાઓને પોતાની શાળાના 68 વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શાળા કક્ષાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ શાળાઓએ ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહની ખાલી બેઠકોની માહિતી એસ.વી.એસ. મારફતે કેન્દ્રીય ભરતી પ્રક્રિયા માટે મોકલી આપવાની રહેશે.
જે વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ પ્રવેશ નહીં મળે તેઓ માટે કેન્દ્રીય ભરતી પ્રક્રિયાના ફોર્મ તા. 3 અને 4 જૂન દરમિયાન સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર, સુરસાગર, વડોદરા ખાતેથી આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ તે જ દિવસે ભરેલા ફોર્મ પરત જમા કરાવવાના રહેશે.
કેન્દ્રીય ભરતી હેઠળ વિદ્યાર્થીઓની પ્રવેશ અને શાળા ફાળવણી પ્રક્રિયા તા. 6 જૂને સવારે 11 વાગ્યે સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર, સુરસાગર ખાતે હાથ ધરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને નિયત તારીખો અને સમયનું ખાસ ધ્યાન રાખી સમયસર કાર્યવાહી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે.
ધો-11 વિજ્ઞાન પ્રવાહ : 75 બેઠકોનું અનામત વર્ગીકરણ
કેટેગરી બેઠકો
અનુસૂચિત જાતિ (SC) – 7% 05
અનુસૂચિત જનજાતિ (ST) – 15% 11
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) – 27% 20
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) – 10% 08
પોતાની શાળાના વિદ્યાર્થીઓ 25
અન્ય શાળાના વિદ્યાર્થીઓ 06
કુલ બેઠકો 75