Vadodara

પર્યાવરણ માટે એમએસયુની હરિયાળી પહેલ : દર સોમવારે ‘નો વ્હીકલ ડે’નું પાલન

વીસી ઈલેક્ટ્રિક બાઈક પુલિંગથી પહોંચ્યા કેમ્પસ, રજિસ્ટ્રાર ચાલતા પહોંચીને આપ્યું પ્રેરણાદાયી ઉદાહરણ
ઇંધણ બચત અને પ્રદૂષણ નિયંત્રણ માટે વિદ્યાર્થીઓ-કર્મચારીઓને કાર-બાઈક પુલિંગ અને જાહેર પરિવહન અપનાવવાનો અનુરોધ

(પ્રતિનિધિ) વડોદરા, તા. 1
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) દ્વારા ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટીમાં હવેથી દર સોમવારે ‘નો વ્હીકલ ડે’ તરીકે ઉજવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવા કરેલી અપીલના અનુસંધાને યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરી આ નિર્ણય અમલમાં મૂકાયો છે.

આ અભિયાનનો પ્રારંભ ખુદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ભાલચંદ્ર ભાણગેએ કર્યો હતો. તેઓ સોમવારે સવારે ઇલેક્ટ્રિક બાઈક પુલિંગ દ્વારા કેમ્પસ પહોંચ્યા હતા. જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. કે.એમ. ચુડાસમા પણ ચાલતા ચાલતા હેડ ઓફિસે પહોંચ્યા હતા. યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓએ જાતે જ આ પહેલમાં ભાગ લઈને અન્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

યુનિવર્સિટી દ્વારા તમામ કર્મચારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને દર સોમવારે વ્યક્તિગત પેટ્રોલ-ડીઝલ વાહનોનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે. તેના બદલે કાર-બાઈક પુલિંગ, જાહેર પરિવહનનો ઉપયોગ તેમજ શક્ય હોય ત્યાં સુધી પગપાળા આવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
વાઇસ ચાન્સેલર પ્રો. ભાણગેએ જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ માત્ર ઇંધણ બચાવવાનો નથી, પરંતુ વધતા વાયુ પ્રદૂષણને ઘટાડીને પર્યાવરણને વધુ સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનો છે. તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિનું નાનું યોગદાન પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં વધુને વધુ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ આ અભિયાનમાં સ્વયંભૂ જોડાશે અને એમએસયુની આ પહેલ રાજ્યભરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બનશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં વધતી વાહનોની સંખ્યા અને ઇંધણની આયાતના કારણે પર્યાવરણ તેમજ અર્થતંત્ર પર ભારણ વધી રહ્યું છે. ત્યારે એમએસયુની આ પહેલ ‘લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ (LiFE)’ મિશનને વેગ આપનારી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવનારી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

Most Popular

To Top