6 વર્ષથી ફરાર ખૂની હુમલા અને અપહરણનો આરોપી ઝડપાયો
સુરત ગ્રામ્ય જિલ્લામાં છ વર્ષથી ફરાર રહેલા ખૂની હુમલા અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સમીર સાદીક મસ્તાનને સુરત ગ્રામ્ય LCBએ સફળ કામગીરી કરીને ઝડપી પાડ્યો છે. આરોપી કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ હતો.
દક્ષિણ ગુજરાત રેન્જના આઈજી Premvir Singh દ્વારા તેમના તાબા હેઠળના જિલ્લાઓમાં ફરાર આરોપીઓને ઝડપવા વિશેષ અભિયાન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યા બાદ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક Rajesh Gadhiaના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી સમીર સાદીક મસ્તાન (રહે. રાંદેર, સુરત શહેર; મૂળ રહે. તરસાડી) વર્ષ 2018થી કોસંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ફરાર હતો. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (ખૂની હુમલો), 323, 120(બી) તેમજ કલમ 364 (અપહરણ), 326, 506(2) જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
LCBના પી.આઈ. N. G. Panchaniના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી હતી. L C B .ના એ.એસ.આઈ. શૈલેષભાઈ માનસીંગભાઈ, હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર તથા પ્રહલાદસિંહને મળેલી માહિતી મુજબ આરોપી લીલા રંગનું ટી-શર્ટ પહેરી કોસંબા ઓવરબ્રિજ નીચે ઉભો હતો. આ બાતમીના આધારે પીએસઆઈ એચ.સી. મસાણી અને તેમની ટીમે સ્થળ પર વોચ ગોઠવી આરોપીને કોર્ડન કરીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને કોસંબા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી દરમિયાન સુરત ગ્રામ્ય LCB તથા પેરોલ-ફર્લો શાખાના કર્મચારીઓએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસનો અસરકારક ઉપયોગ કર્યો હતો. લાંબા સમયથી ફરાર આરોપી ઝડપાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.