Editorial

એમએસપી લાગુ કરવામાં સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે

MSP: What is It, Why are Farmers Protesting Over It & Which States Benefit  From It

સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચી લીધા પછી પણ ખેડૂતો તેમનું આંદોલન પાછું ખેંચવાના મૂડમાં નથી. એક વર્ષ સુધી આંદોનલ ચલાવ્યા પછી સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાનું વચન આપ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે આ વાતની જાહેરાત કરી છે એટલું જ નહીં તેમણે તેમના વક્તવ્યમાં એવું પણ કહ્યું છે કે, તેઓ ખેડૂતોને તેમની વાત સમજાવવામાં  નિષ્ફળ રહ્યાં છે તે વાતનું તેમને દુ:ખ પણ છે. સરકારની આ જાહેરાત પછી પણ ખેડૂતો તેમનું આંદોલન પાછું ખેંચવાના મૂડમાં નથી અને તેઓ હવે ટેકાના ભાવે સરકાર તેમનું ધાન્ય ખરીદે તે માટે ટેકાના ભાવે ધાન્ય ખરીદવાની ગેરંટીનો કાયદો બનાવવાની માગ કરી રહ્યાં છે.

જો કે, સરકાર આ મામલે કમિટિ બનાવવાનું કહીને હાથ ખંખેરી રહી છે તેના કારણમાં જઇએ તો એમએસપીનો કાયદો લાગુ કરવામાં સરકારને અનેક મુશ્કેલીઓ લાગુ પડે તેમ છે. તેના કારણોની વાત કરીએ તો ખેડૂતોનાં હિતોની રક્ષા માટે દેશમાં ‘લઘુતમ સમર્થન મૂલ્ય’ (એમએસપી)ની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જો ક્યારેક પાકની કિંમતો બજારમાં હિસાબે ઘટી જાય તો, કેન્દ્ર સરકાર નક્કી  લઘુતમ સમર્થન મૂલ્ય પર ખેડૂતોના પાક ખરીદે છે, જેથી ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય. કોઈ પણ પાકની એમએસપી આખા દેશમાં એક જ હોય છે.

ભારત સરકારનું કૃષિમંત્રાલય, કૃષિ  લાગત અને કમિશન ફૉર એગ્રિકલ્ચર કૉસ્ટ ઍન્ડ પ્રાઇસેસની ભલામણને આધારે એમએસપી નક્કી થાય છે. આ હેઠળ હાલમાં 23 પાકની ખરીદી કરવામાં આવે છે છે. આ 23 પાકમાં ધાન્ય,  ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, મગ, મગફળી, સોયાબીન, તલ અને કપાસ વગેરે સામેલ છે. એક અનુમાન અનુસાર દેશમાં માત્ર છ ટકા ખેડૂતોને એમએસપી મળે છે, જેમાં સૌથી વધુ ખેડૂતો  પંજાબ, હરિયાણાના છે. એમએસપીને લઈને ખેડૂતોની ચિંતા પાછળ કેટલાંક કારણ છે. જેમાં સરકારે હજુ સુધી લેખિતમાં એવો કોઈ ઑર્ડર કર્યો નથી કે પાકની સરકારી ખરીદી ચાલુ રહેશે.  હજુ સુધી જે પણ વાતો થઈ રહી છે એ મૌખિક થઈ રહી છે.

ખેડૂતોની ચિંતાનું આ પણ એક કારણ છે. બીજું કારણ છે ‘રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ ફંડ’ રાજ્ય સરકારોને ન આપવું. કેન્દ્ર  સરકાર ત્રણ ટકાનું આ ફંડ દર વર્ષે રાજ્ય સરકારોને આપતી હતી પણ આ વર્ષે કેન્દ્ર સરકારે આ ફંડ આપવાની ના પાડી દીધી છે. આ ફંડનો ઉપયોગ ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવામાં  આવતો હતો. એમએસપી નક્કી કરવામાં સરકારને પાંચ મહત્વના જે મુદ્દા નડી રહ્યાં છે તે અનુસાર પાકની ગુણવત્તાના માપદંડ કેવી રીતે નક્કી થશે? એમએસપી હંમેશાં એક ‘ફૅયર ઍવરેજ  ક્વૉલિટી’ માટે હોય છે. એટલે કે પાકની નક્કી કરાયેલી ગુણવત્તા હશે તો જ લઘુતમ સમર્થન મૂલ્ય અપાશે.

હવે કોઈ પાક ગુણવત્તાના માપદંડો પર ખરો ઊતરે છે કે નહીં એ કેવી રીતે નક્કી  કરાશે? બીજા કારણની વાત કરીએ તો સરકારને ઘણી સમિતિઓએ ભલામણ કરી છે કે ઘઉં અને ધાન્યની ખરીદી સરકારે ઓછી કરવી જોઈએ. સરકાર આ ઉદ્દેશ હેઠળ કામ કરી રહી છે.  આવનારા દિવસોમાં આ ખરીદી ઓછી થવાની છે. આ ડર ખેડૂતોને પણ સતાવી રહ્યો છે. આથી જો પાક સરકાર ખરીદશે કે નહીં, ખરીદશે તો કેટલું, અને ક્યારે ખરીદશે, જ્યાં આ સુધી નક્કી  નથી તો લેખિતમાં પહેલેથી એમએસપીવાળી વાત કાયદામાં કેવી રીતે કહી શકે છે? સરકારે જે નવા કાયદા પસાર કર્યા છે તેનાથી આગામી દિવસોમાં કૃષિક્ષેત્રમાં ‘મોનૉપ્સની’ બનવાની છે. 

કેટલીક કંપનીઓ જ કૃષિક્ષેત્રમાં પોતાનું એક કાર્ટેલ (ગઠજોડ) બનાવી લેશે તો એ જે કિંમત નક્કી કરશે એ પ્રમાણે ખેડૂતોએ સામાન વેચવો પડશે. જો એમએસપીની જોગવાઈ કાયદામાં  જોડી દેવામાં આવે તો ખેડૂતો પર ખાનગી કંપનીઓનું વર્ચસ્વ ખતમ થઈ શકે છે. તેનું પરિણામ એ પણ આવી શકે કે આ કંપનીઓ પાકને ઓછો ખરીદશે. સરકાર પાસે કોઈ રસ્તો નથી કે  તેનાથી તે એમએસપી પર બધો પાક ખરીદવા માટે ખાનગી કંપનીઓને બાધ કરી શકે. એ પણ જ્યારે સરકાર ખેડૂતોના પાકને ઓછો ખરીદવા પર પહેલેથી મન બનાવી રહી છે. એવામાં  ખેડૂતો માટે મુશ્કેલીઓ વધી શકે છે. તે પોતાનો પાક કોને વેચશે. એવામાં બની શકે કે એમએસપી તો દૂર, તેમનું રોકાણ પણ ન નીકળી શકે. આમ સરકારને એમએસપીનો કાયદો બનાવવામાં મુશ્કેલી લાગુ પડી શકે તેમ છે.

Most Popular

To Top