Comments

ઝંઝાવાત સામે એક જ ઉપાય

અરબી સમુદ્ર વાવાઝોડા માટે ઝડપથી માનીતું સ્થળ બની રહયું છે. અરબી સમુદ્રમાં જોરદાર ઝંઝાવાત અગાઉ કરતાં વધુ ઝડપથી પેદા થઇ રહ્યું છે. પહેલાં બંગાળના ઉપસાગરમાં વધુ ઝંઝાવાત થતા હતા, કારણ કે દરિયાની સપાટીનું ઉષ્ણતામાન સતત 28ં સેલ્સીયસથી વધુ રહેતું હતું અને અરબી સમુદ્ર એક-બે અંશ વધુ ઠંડો રહેતો હતો. પણ હવે આપણે જોઇએ છીએ કે અરબી સમુદ્રની સપાટીનું ઉષ્ણતામાન છેલ્લી એક સદીથી ઝડપથી વધી રહયું છે અને તેના મૂળમાં વૈશ્વિક તાપમાન વૃધ્ધિ જવાબદાર છે. તીવ્ર ઝંઝાવાત પેદા થવા માટે ઉષ્ણતામાનનો ઉંબરો નક્કી થયો છે, જેને વોર્મ પૂલ થ્રુ શોલ્ડ કહે છે અને હમણાં છેલ્લા કેટલાય વખતથી દરિયાની સપાટીનું ઉષ્ણતામાન આ મર્યાદાથી વધી જાય છે.

દરિયાનું પાણી ગરમ થાય અને વૃત્તિય સમુદ્ર પર ભેજવાળી હવા હોય ત્યારે ઝંઝાવાત પેદા થાય. અત્યારે દરિયાનું પાણી સપાટીથી 50 મીટર ઊંડે સુધી ગરમ થયું હતું અને તેને પગલે ‘તાઉતે’ જેવા ઝંઝાવાતને પેદા થવા માટે પૂરતી ઊર્જા મળી રહે છે. વરાળ જામવાથી વધુ ગરમી પેદા થાય તેમ દબાણમાં સડસડાટ ઘટાડો થાય. પરિણામે ઝંઝાવાત પેદા થાય.

ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટ્રોપિકલ મીટીરોલોજીના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્ર ગરમ થવાથી રોજના 150 મિલીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં વરસાદ વધીને ત્રણ ગણો થઇ ગયો છે. 1965 થી 2020 વચ્ચેની માહિતીનો અભ્યાસ કરી કેન્દ્ર સરકારે સંસદમાં તાજેતરમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં ઝંઝાવાત પેદા થવાનું વલણ વધતું ગયું છે. આથી દક્ષિણ ગુજરાત પર ત્રાટકેલા ‘તાઉતે’ નામના ઝંઝાવાતે આપણને ચોંકાવી દીધા છે. હકીકતમાં તે આ વર્ષનો ભારત પર ત્રાટકેલો પ્રથમ ઝંઝાવાત છે.

અરબી સમુદ્રના અગ્નિ ખૂણે તા. 14 મી મે એ સવારે હવાનું દબાણ ઘટી જતાં તે તા. 16 મી મે ની સવાર સુધીમાં પ્રચંડ ઝંઝાવાત બની ગયો અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકિનારે શનિ-રવિવારે ત્રાટકયો અને ગુજરાત પહોંચી ગયો. ચોમાસા પૂર્વેના સમયગાળામાં એટલે કે એપ્રિલથી જૂનના ગાળામાં ત્રાટકનાર ‘તાઉતે’ સતત ચોથો ત્રાટકેલો ઝંઝાવાત છે.

2018 થી આવેલા આ તમામ ઝંઝાવાત ‘ઉગ્ર’ અને તેથી વધુ તીવ્રતાની શ્રેણીમાં આવ્યા છે. 2018 માં મેકાનું નામનો ઝંઝાવાત ઓમાન પર ત્રાટકયો હતો. 2019 માં ‘વાયુ’ નામનો ઝંઝાવાત ગુજરાત પર ત્રાટકયો હતો. 2020 માં ‘નિસર્ગ’ નામના ઝંઝાવાતે મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું. વાયુને ‘ઉગ્ર’ બનતાં 36 કલાક લાગ્યા હતા જયારે મેકાનુને ચાર તથા નિસર્ગને પાંચ દિવસ લાગ્યા હતા. 2020 અને 2021 માં અરબી સમુદ્ર પર ચોમાસા પૂર્વેના ગાળામાં જ આવ્યા હતા. મતલબ કે ઝંઝાવાતનું પ્રમાણ ઝડપી બની ગયું છે અને રાજય સરકારોને પરિસ્થિતિને પહોંચી વળવા બહુ ઓછો સમય મળે.

છેલ્લાં પચાસ વર્ષોના હવામાનના તોફાનોનો અભ્યાસ કરો તો ખબર પડશે કે વૃત્તીય ઝંઝાવાતો ભલે વારંવાર નહીં આવતા હોય, પણ તેણે કુલ મૃત્યુના 28.6 ટકા મૃત્યુ નિપજાવ્યાં છે જે પૂર પછીના બીજા ક્રમે આવે. પૂરથી મહત્તમ માણસો મરે છે, પણ સવાલ એ છે કે આ ઝંઝાવાત આપણા પ્રદેશની નજીક જ કેમ?

વિજ્ઞાનીઓ કહે છે કે હિંદી મહાસાગરના ઉત્તરના ભાગો એટલે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચોમાસા પહેલાં એટલે કે એપ્રિલથી જૂનના ગાળામાં અને ચોમાસા પછીના ગાળામાં એટલે કે ઓકટોબરથી ડિસેમ્બરના ગાળામાં વૃત્તીય ઝંઝાવાત એટલે કે ચક્રવાત પેદા થાય છે અને તે ઉગ્ર હોય છે અને ભારતીય કિનારાઓ પર તબાહી મચાવી દે છે. દર વર્ષે સરેરાશ પાંચ ઝંઝાવાત અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગર પર પેદા થાય છે. જેમાંથી ચાર બંગાળના ઉપસાગરમાં પેદા થાય છે. જે અરબી સમુદ્ર કરતાં વધુ ગરમ છે. આથી સમુદ્ર ગરમ થાય એટલે ઉગ્ર ઝંઝાવાતનું પ્રમાણ વધે. મતલબ કે આપણા વિજ્ઞાનીઓને ઝંઝાવાત પર નજર રાખવા માટેની ટેકનોલોજીમાં વધુ રોકાણ કરવું પડે. આ બાબતમાં કેન્દ્ર અને રાજય સરકારોએ મળી કંઇક કરવું જોઇશે.

દરિયાકિનારાનાં રાજયો પર ઝંઝાવાતનાં જોખમ ઘટાડવા માટેનો નેશનલ સાયકલોન રિસ્ક મિટિગેશન પ્રોજેકટ દેશના પશ્ચિમી ભાગમાં ખૂબ ધીમો છે. તેના બીજા તબક્કાને 2015 માં મંજૂરી આપવામાં આવી હતી અને ગોવા, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્ર માટે તેને 2020 માં પૂર્ણ કરવાનો હતો. પણ માહિતી એવું દર્શાવે છે કે વહેલી ચેતવણી આપે તેવી પધ્ધતિ અને બહુલક્ષી આશ્રયસ્થાનોનું કામ આમાંથી ઘણાં રાજ્યોમાં હજી અધૂરું છે. ઝંઝાવાતોથી થતી ખુવારી મર્યાદિત કરવાનો એક જ રસ્તો છે અને તે આબોહવા વિજ્ઞાનને અને ચેતવણીને સમજવાનો અને ઝંઝાવાત માટે તૈયાર રહેવાનો છે. ઝંઝાવાત સામે બીજો કોઇ વિકલ્પ નથી.

            – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top