17 થી 31 મે સુધી નાગરિકો જાતે જ કરી શકશે ‘સ્વગણતરી’; મ્યુનિસિપલ કમિશનરની વડોદરાવાસીઓને સાચો ડેટા આપી સહયોગ કરવા અપીલ
વડોદરા: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનારી રાષ્ટ્રીય વસ્તી ગણતરી 2027 અંતર્ગત વડોદરા શહેરમાં વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા સત્તાવાર રીતે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ વખતની વસ્તી ગણતરી ઐતિહાસિક અને અગાઉની ગણતરીઓ કરતાં તદ્દન અલગ સાબિત થશે, કારણ કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન અને ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત છે. ભૂતકાળની જેમ આ વખતે કર્મચારીઓ કોઈ ભૌતિક બુકલેટ કે કાગળના ફોર્મ લઈને ઘરે-ઘરે નહીં ફરે, પરંતુ ખાસ તૈયાર કરાયેલી વેબ બેઝ અને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી તમામ વિગતો ડિજિટલ સ્વરૂપે જ નોંધવામાં આવશે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રાષ્ટ્ર નિર્માણનું અત્યંત મહત્વનું કાર્ય છે અને વડોદરાના તમામ નાગરિકો તેમાં પૂરો સહયોગ આપે તે અનિવાર્ય છે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે વડોદરા શહેરના વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર વડોદરા શહેરને વ્યવસ્થિત સંચાલન માટે 19 સબ બ્લોક્સ અને 71 બ્લોક્સમાં વિભાજિત કરવામાં આવ્યું છે. વસ્તી ગણતરીની આ કામગીરી માટે વડોદરા શહેરમાં અંદાજે 4800 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં મોટાભાગે શિક્ષકો, તાલીમ અધિકારીઓ અને વોર્ડ લેવલના સ્ટાફનો સમાવેશ થાય છે. આ તમામ નિયુક્ત સ્ટાફ પ્રોપર રીતે કામગીરી કરી શકે તે માટે અલગ-અલગ બેચમાં તબક્કાવાર ત્રણ-ત્રણ વિશેષ તાલીમ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમામને નિમણૂક પત્રો એનાયત કરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા વસ્તી ગણતરીની આ સમગ્ર પ્રક્રિયાને મુખ્યત્વે બે મહત્વના તબક્કા અને તારીખોમાં વહેંચવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કો 17 મે થી 31 મે સુધીનો રહેશે, જે અંતર્ગત નાગરિકો માટે ‘સ્વગણતરી’ એટલે કે સેલ્ફ-એન્યુમરેશન, સેલ્ફ ડેટા રજીસ્ટ્રેશન અને વેલિડેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શહેરના સુશિક્ષિત નાગરિકો ઓનલાઇન લિંક કે એપ્લિકેશનના માધ્યમથી પોતાના પરિવારની સાચી વિગતો જાતે જ ઓનલાઇન સબમિટ કરી શકશે. ત્યારબાદ બીજો મહત્વનો તબક્કો 1 જૂન થી 30 જૂન સુધીનો રહેશે, જેમાં ડેટા એસેટ્સ ભરવાની તથા બાકી રહેલી વિગતોના વેરિફિકેશનની કામગીરી સઘન રીતે ચલાવવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરે વડોદરાવાસીઓને હાથ જોડીને નમ્ર અપીલ કરી છે કે, જ્યારે પણ મહાનગરપાલિકા કે વસ્તી ગણતરીની નિયુક્ત ટીમ તેમના વિસ્તાર કે ઘરની મુલાકાત લે અથવા સંપર્ક કરે, ત્યારે તેમને પૂરતો સહયોગ આપવામાં આવે. આ વસ્તી ગણતરીના આધારે જ ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રિપોર્ટ્સ, ટેબલ્સ અને સરકારી યોજનાઓનું માળખું તૈયાર થવાનું હોવાથી નાગરિકો પોતાની સાચી, સચોટ અને ઓરિજિનલ માહિતી જ ડિક્લેર કરે તે ખૂબ જરૂરી છે. ડિજિટલ યુગમાં દેશના વિકાસના આયોજન માટે આ ડેટા પાયાની જરૂરિયાત હોવાથી વડોદરાના પ્રત્યેક નાગરિક આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તેવો આગ્રહ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.