Gujarat

ગરમી ફુલ ફોર્મમાં, 40 ડિગ્રીમાં ગુજરાત શેકાયું

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો અને ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે.

રાજકોટ 42 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જ્યારે વડોદરા, સુરત અને કંડલા એરપોર્ટ પર 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. અન્ય શહેરોની વાત કરીએ તો ભૂજ, ભાવનગર, ડીસા, કેશોદ અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 37 થી 39 ડિગ્રીની વચ્ચે નોંધાયો છે, જ્યારે નલિયા, પોરબંદર અને દમણમાં તાપમાન 34 થી 35 ડિગ્રીની આસપાસ રહેતા ગરમીથી આંશિક રાહત જોવા મળી છે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જોકે, 15થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકોએ ભારે અકળામણ અને બફારાનો સામનો કરવો પડશે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, તેમ છતાં સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનમાં ગરમી સામાન્ય કરતાં વધુ અનુભવાઈ રહી છે.

વરસાદની આગાહી: ખેડૂતો માટે ચિંતાના સમાચાર
હવામાન વિભાગે આગામી 19 અને 20 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરી છે.
•ઉત્તર ગુજરાત: સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર: અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top