ગાંધીનગર,તા.15
સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર અને મહેસાણા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રાજ્યના વિકાસ અને મહિલા સશક્તિકરણ અંગે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ગાંધીનગરમાં ‘નારી શક્તિ વંદન સંમેલન’ અને મહેસાણામાં ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ અને સર્વગ્રાહી વિકાસનું મોડેલ બની રહ્યું છે.
ગાંધીનગરના ટાગોર હોલ ખાતે આયોજિત સંમેલનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ દ્વારા વિધાનસભા અને સંસદમાં મહિલાઓની ૩૩ ટકા ભાગીદારી એ ભારતીય લોકશાહીનો સુવર્ણ અધ્યાય છે.
- નિર્ણાયક ભૂમિકા: નીતિ-નિર્ધારણની પ્રક્રિયામાં મહિલાઓના આવવાથી શાસન વ્યવસ્થામાં વધુ સંવેદનશીલતા અને પારદર્શિતા આવશે.
- રાજ્યની પહેલ: ગુજરાતે એક દાયકા પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત આપીને સશક્તિકરણનો પાયો નાખ્યો હતો.
- મહિલાલક્ષી યોજનાઓ: ઉજ્જવલા યોજના, લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓથી કરોડો મહિલાઓ આત્મનિર્ભર બની છે.
આ પ્રસંગે પદ્મશ્રી રમીલાબેન ગામીત અને મેયર મીરાબેન પટેલ સહિતની અગ્રણી મહિલાઓએ પણ નારી શક્તિના વધતા પ્રભાવ અંગે વિચારો વ્યક્ત કર્યા હતા.

મહેસાણા – ‘ડાર્ક ઝોન’ થી ૮-લેન માર્ગ સુધીની વિકાસયાત્રા
મહેસાણાના લીંચ અને શહેર ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધતા મુખ્યમંત્રીએ પ્રાદેશિક વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો.
- પાણીની ક્રાંતિ: જે મહેસાણા વિસ્તાર ક્યારેક ‘ડાર્ક ઝોન’માં હતો, ત્યાં આજે નર્મદાના નીર ખેતરો સુધી પહોંચ્યા છે.
- બજેટમાં ઉછાળો: રાજ્યનું બજેટ ૩૦ હજાર કરોડથી વધીને ૪ લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે વિકાસની ગતિનો પુરાવો છે.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર: મહેસાણાથી અડાલજ સુધીના ૮-લેન માર્ગના નિર્માણથી સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.
- આરોગ્ય સુરક્ષા: આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને એમએસએમઈ એકમોમાં થયેલો વધારો રોજગારીના નવા અવસરો ઉભા કરી રહ્યો છે.
મુખ્યમંત્રીએ કડી નગરપાલિકામાં ભાજપના ૨૮ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપનો કાર્યકર ચૂંટણી હોય કે ન હોય, સતત પ્રજાની વચ્ચે રહીને સેવા કરે છે. તેમણે ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટે ‘વિકસિત ગુજરાત’ના મિશનમાં જોડાવવા સૌને આહવાન કર્યું હતું.