Nadiad

નડિયાદ પીજ ભાગોળ પાસે ખાડામાં પટકાતા એક્ટિવા ચાલક આધેડનું મોત, તંત્ર સામે નગરજનોમાં રોષ

૪૮ વર્ષીય સલીમ મલેકને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છતાં બચાવી શક્યા નહીં

અકસ્માત બાદ ૪ કલાકમાં ખાડો પુરાતા તંત્રની ઉદાસીનતા પર ઉઠ્યા સવાલો
નડિયાદ:
નડિયાદના પીજ ભાગોળ નજીક ગટરની આસપાસ પડેલા ખાડામાં એક્ટિવા પટકાતા ૪૮ વર્ષીય આધેડનું દુખદ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને સ્થાનિક નગરજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાજીપુર વાળા વિસ્તારના લીમડી ફળીયામાં રહેતા સલીમ ખાલીદ મલેક એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર પડેલા ખાડામાં વાહન ખાબકતા તેઓ નીચે પટકાયા હતા. ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક એક દીકરીના પિતા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરની આસપાસ લાંબા સમયથી પડેલા ખાડા અંગે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જોકે અકસ્માત બન્યા બાદ માત્ર ચાર કલાકમાં જ ખાડો પુરાઈ જતા તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નો ઊભા થયા છે.
આ ઘટનાને લઈને નગરજનોમાં ઉદાસીન તંત્ર પ્રત્યે ફિટકાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને માર્ગ સલામતી અંગે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top