Top News

શેર બજારમાં ભૂકંપ: રોકાણકારોના ₹5 લાખ કરોડ ડૂબ્યા, સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટી ગયો

રામ નવમીની રજાઓ પછી 27 માર્ચે ભારતીય શેરબજાર નબળાઈ સાથે ખુલ્યું અને શરૂઆતથી જ ભારે દબાણમાં જોવા મળ્યું. સેન્સેક્સ લગભગ 700 પોઇન્ટના ઘટાડા સાથે 74,440 નજીક ખુલ્યો, જ્યારે નિફ્ટી પણ 250 પોઇન્ટ તૂટી 23,082 આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો. દિવસ દરમિયાન વેચવાલી વધી જતા સેન્સેક્સ 1,000 પોઇન્ટથી વધુ તૂટી ગયો અને નિફ્ટી 23,000ના મહત્વના લેવલ નજીક આવી ગયો. બજારમાં આ ઘટાડાને કારણે રોકાણકારોના અંદાજે ₹5 લાખ કરોડથી વધુનું મૂલ્ય સાફ થઈ ગયું છે. નિફ્ટીના 50માંથી 43 શેરોમાં ઘટાડો નોંધાયો છે, જે બજારમાં વ્યાપક નબળાઈ દર્શાવે છે.

કયા શેર ચમક્યા, કયા તૂટ્યા? : આઈટી સેક્ટરમાં થોડી મજબૂતી જોવા મળી. TCS, Infosys, HCLTech અને ONGC જેવા શેરોમાં વધારો નોંધાયો. જ્યારે Tata Motors, Bajaj Finance, Larsen & Toubro અને InterGlobe Aviation જેવા શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો.

ઓટો સેક્ટર પર ભારે માર : ઓટો સેક્ટરના શેરોમાં ખાસ કરીને દબાણ જોવા મળ્યું. Ashok Leyland, Hyundai Motor Company અને Apollo Tyres જેવા શેરોમાં 2%થી વધુ ઘટાડો નોંધાયો. ખાસ કરીને Tata Motors પર વધુ અસર પડી, કારણ કે તેની સબસિડીયરી JLR એ UKના Solihull પ્લાન્ટમાં 2 અઠવાડિયા માટે પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે.

વૈશ્વિક સંકેતોનો પ્રભાવ : અમેરિકી બજારોમાં ગઈકાલે નબળાઈ જોવા મળી હતી, જેનો સીધો અસર ભારતીય બજાર પર પડ્યો છે. સાથે જ યુએસ ડોલર ઇન્ડેક્સ 100ની નજીક પહોંચ્યો છે અને બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. ટેક્નિકલ રીતે નિફ્ટી માટે 23,500 મજબૂત રેઝિસ્ટન્સ છે, જ્યારે 23,000 મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ બની રહ્યો છે. આ લેવલ વચ્ચે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કુલ મળીને, વૈશ્વિક અનિશ્ચિતતા અને આર્થિક દબાણ વચ્ચે બજારમાં હાલ અસ્થિરતા યથાવત્ છે, અને રોકાણકારોને સાવચેત રહેવાની જરૂર છે.

Most Popular

To Top