અયોધ્યા ખાતે રામનવમીના પવિત્ર અવસરે ભક્તિ અને આસ્થાનો અદભૂત માહોલ જોવા મળી રહ્યો છે. લાખો ભક્તોની ભીડ વચ્ચે એક એવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર દેશને એકતા અને ભાઈચારાનો મજબૂત સંદેશ આપ્યો છે. અહીં એક મુસ્લિમ શ્રદ્ધાળુએ પોતાની સુરક્ષામાં તૈનાત ગનરને પ્રેમપૂર્વક ભગવાન રામની મૂર્તિ ભેટ આપી સૌના દિલ જીતી લીધા છે.આ અનોખી પહેલ Iqbal Ansari દ્વારા કરવામાં આવી છે, જેઓ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસના ભૂતપૂર્વ વાદી રહી ચૂક્યા છે. તેમણે રામનવમીના મેળા દરમિયાન પોતાની સુરક્ષામાં તૈનાત ગનર Sadavrat Chauhan ને ભગવાન રામની પ્રતિમા ભેટમાં આપી એકતાનો અનોખો સંદેશ આપ્યો છે
આ પ્રસંગે ઇકબાલ અંસારીએ જણાવ્યું કે, “ભગવાન રામ સૌના છે અને દરેક વ્યક્તિએ તેમના બતાવેલા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ.” તેમના આ શબ્દો માત્ર ધાર્મિક સહિષ્ણુતા નહીં, પરંતુ ભારતની ગંગા-જમુના તહેઝીબનું જીવંત ઉદાહરણ પણ રજૂ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે અયોધ્યા માટે રામનવમીનો મેળો આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વનો છે. અહીં આવતા ભક્તો ભગવાન રામની મૂર્તિ અને પ્રસાદ સાથે લઈને જાય છે. તેમણે કહ્યું કે, “મેં પણ ભગવાન રામની મૂર્તિ ખરીદી અને અમારા ગનરને ભેટ આપી છે. હું ઈચ્છું છું કે તેઓ આ પવિત્ર મૂર્તિને પોતાના પાસે રાખે અને ભગવાનના માર્ગ પર ચાલે.”
આ ઘટના માત્ર એક ભેટ આપવાની નથી, પરંતુ સમાજમાં પ્રેમ, વિશ્વાસ અને એકતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ છે. ઇકબાલ અંસારીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાકીય લડાઈઓ અલગ હોઈ શકે, પરંતુ અયોધ્યાની સાચી ઓળખ હંમેશા સૌહાર્દ અને ભાઈચારામાં જ વસે છે, આવો પ્રસંગ દેશ માટે પ્રેરણાદાયક છે, જ્યાં વિવિધ ધર્મોના લોકો સાથે મળીને એકતા અને માનવતાનો સંદેશ આપે છે.