હવે 60% સીટ પસંદગી મફત, સરકારનો મોટો નિર્ણય
ભારતમાં હવાઈ મુસાફરો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. Ministry of Civil Aviation દ્વારા એરલાઈન કંપનીઓ પર કડક નિયમો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે હવે મુસાફરોને સીટ પસંદગી માટે વધારાનો ખર્ચ ચૂકવવાનો ભાર ઘટશે.
સરકારના નિર્દેશ અનુસાર, દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછા 60 ટકા સીટો મુસાફરો માટે મફતમાં પસંદગી માટે ઉપલબ્ધ રાખવી ફરજિયાત રહેશે. આ નિયમ Directorate General of Civil Aviation (DGCA) દ્વારા અમલમાં મૂકવામાં આવશે. અત્યાર સુધી ઘણી એરલાઈન કંપનીઓ ટિકિટ બુકિંગ બાદ અથવા વેબ ચેક-ઇન દરમિયાન સીટ પસંદ કરવા માટે વધારાની ફી વસૂલતી હતી.
એક સાથે મુસાફરી કરનાર માટે ખાસ રાહત : સરકારે વધુમાં જણાવ્યું છે કે એક જ PNR પર મુસાફરી કરતા મુસાફરોને શક્ય હોય ત્યાં સુધી સાથે બેઠાડવા પડશે. ખાસ કરીને પરિવાર અથવા ગ્રુપમાં મુસાફરી કરનારાઓ માટે આ નિર્ણય ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે અગાઉ તેમને બાજુબાજુની સીટ માટે વધારાનો ખર્ચ કરવો પડતો હતો.
બેગેજ, પેટ્સ અને અન્ય સેવાઓમાં પારદર્શિતા : DGCAને એરલાઈન્સ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવા સૂચના આપી છે. તેમાં સ્પોર્ટ્સ સાધનો અને સંગીત સાધનો લઈ જવાની પ્રક્રિયા સરળ અને પારદર્શક બનાવવી પડશે. ઉપરાંત, પાળતુ પ્રાણીઓ સાથે મુસાફરી માટેની નીતિઓ પણ સ્પષ્ટ રીતે જાહેર કરવી ફરજિયાત રહેશે.
મુસાફરોના અધિકારો પર ખાસ ધ્યાન : સરકારે એરલાઈન કંપનીઓને મુસાફરોના અધિકારોનું કડક પાલન કરવા કહ્યું છે. ફ્લાઇટમાં વિલંબ, રદબાતલ અથવા બોર્ડિંગ ન મળવા જેવી પરિસ્થિતિઓમાં મુસાફરોને તેમના અધિકારો વિશે સ્પષ્ટ માહિતી આપવી પડશે. આ માહિતી વેબસાઇટ, મોબાઈલ એપ અને એરપોર્ટ કાઉન્ટર પર તેમજ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ કરવી ફરજિયાત રહેશે.
વધતા એવિએશન માર્કેટમાં મોટું પગલું : ભારતનું હવાઈ ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે અને દેશ વિશ્વના ત્રીજા સૌથી મોટા એવિએશન માર્કેટ તરીકે ઉભરી રહ્યો છે. દરરોજ લાખો મુસાફરો એરપોર્ટનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં સરકારે પારદર્શિતા વધારવા અને મુસાફરોને વધુ સુવિધા આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ નિર્ણયથી હવે મુસાફરોને વધુ સુવિધાજનક અને સસ્તા હવાઈ પ્રવાસ નો અનુભવ મળશે.