કોયમ્બતૂરના વલ્પરાઈ ઘાટમાં દુર્ઘટના: તમિલનાડુના કોયમ્બતૂર જિલ્લામાં આવેલા વલ્પરાઈ ઘાટ વિસ્તારમાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓ ભરેલી એક વાન હેરપિન વળાંક પરથી કાબૂ ગુમાવતા ખીણમાં ખાબકી જતાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
માહિતી મુજબ, આ અકસ્માત વલ્પરાઈ-પોલાચી ઘાટ રોડના 13મા હેરપિન વળાંક પર બન્યો હતો. વાન ડ્રાઈવર વળાંક પાર કરતી વખતે વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને વાહન સીધું ખીણમાં પટકાયું. કહેવાય છે કે વાન 13મા વળાંક પરથી સરકીને 9મા વળાંક સુધી નીચે ધસી ગઈ હતી.વાનમાં કુલ 13 પ્રવાસીઓ સવાર હતા, જે કેરળના માલાપ્પુરમ વિસ્તારથી ફરવા માટે વલ્પરાઈ આવ્યા હતા અને પ્રવાસ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં શિક્ષકોનો પણ સમાવેશ થાય છે, જે આ પ્રવાસે સાથે ગયેલા હતા.
અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ અને રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી માટે મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને ઘાયલોને પોલાચી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કેટલાક ગંભીર રીતે ઘાયલ લોકોને આગળ કોયમ્બતૂર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે
ઘાટ વિસ્તારના ખતરનાક અને તીખા વળાંકોને કારણે આવા અકસ્માતો થવાની શક્યતા વધુ રહેતી હોવાની સ્થાનિક પોલીસએ માહિતી આપી છે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈ પ્રધાનમંત્રી દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે, સાથે જ ઘાયલોની વહેલી તકે સાજા થવા પ્રાર્થના કરવામાં આવી છે. આ ભયાનક અકસ્માતે ફરી એકવાર ઘાટ માર્ગોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.