Business

અનોખી પ્રાર્થનાસભા

મારા એક સ્વજનની પ્રાર્થનાસભા હતી. જે કાંઈક મારા મત મુજબ અનોખી હતી. એ સ્વજન એમની 79 વર્ષની ઉંમરે અવસાન પામ્યા. એમને એમનો 80 મો જન્મદિવસ ઉજવવાની અદમ્ય ઈચ્છા હતી પરંતુ ઇશ્વરને એ મંજૂર નહોતું. તેથી 80 મો જન્મદિવસ ઉજવે એ પહેલાં  જ એમની પાસે બોલાવી લીધા. પરંતુ એમની એ ઈચ્છા એમનાં દીકરી , દીકરા – વહુ,દોહિત્રી,દોહિત્રી – જમાઈ  દોહિત્ર,પૌત્રીએ એમની પ્રાર્થના સભા વખતે પૂર્ણ કરી. આ પ્રાર્થના સભાને એક ઉત્સવ તરીકે લેવાનું કહ્યું. એમને પાઉ વડા અને કચોરી ઘણી ભાવતી એટલે ત્યાં આવનાર દરેક વ્યક્તિને એ વહેંચવામાં આવ્યું અને આવનાર દરેક વ્યક્તિને એની સાથે તુલસીનું કુંડુ આપવામાં આવ્યું એટલું જ નહિ એમની યાદગાર ક્ષણો ને પ્રોજેક્ટર પર બતાવીને જીવન કેવી રીતે જીવવું જોઈએ એ દર્શાવવામાં આવ્યું.

એનો મતલબ  એવો નથી કે દરેક જણ આ જ રીતે પ્રાર્થનાસભા કરે. દરેક વ્યક્તિની પોતાની ક્ષમતાને આધારે કરવાનું હોય. કહેવાનો મતલબ ફક્ત એટલો જ છે કે કર્મ એવાં કરો કે લોકો તમારા મૃત્યુ પછી પણ તમને સુખદ રીતે યાદ કરે. કદાચ ઘણાં લોકોને આ નવતર પ્રયોગ યોગ્ય ના પણ લાગ્યો હોય પણ મારી દૃષ્ટિએ ઉંમરના એક પડાવ પર જો કોઈ વ્યક્તિનું અવસાન થાય તો એને ઉત્સવ સ્વરૂપે જ લેવું જોઈએ. જે સ્વજન જાય છે એની ખોટ ક્યારેય પુરાવાની નથી અને દુ:ખ પણ ઓછું નથી થવાનું પરંતુ દુ:ખી થઈને યાદ કરવા કરતાં આવી રીતે સુખદ પળોને યાદ કરીને એમને યાદ કરીએ તો સાચા અર્થમાં એમને શ્રદ્ધાંજલિ આપી કહેવાય અને સાચા અર્થમાં એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય.
સુરત     –  તૃપ્તિ ગાંધી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top