SURAT

ઓડિસી નૃત્યને ફક્ત ઈન્ટરનેટ કે AIથી શીખી શકાય નહીંઃ પદમશ્રી માધવી મુદગલ

સુરતઃ યુવા પેઢીઓ ભારતીય સંસ્કૃતિ અને કલા વારસાને જાણી સમજી શકે તે હેતુથી સુરતમાં SVNIT દ્વારા વિરાસત 2026 A Journey Towards Our Rootsનો એક સરસ મજાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. પ્રથમ દિવસે સોમવારે તા. 2 ફેબ્રુઆરીના રોજ પદમશ્રી માધવી મુદ્દગલ દ્વારા સુંદર ઓડિસી નૃત્ય રજૂ કરાયું હતું, જેનો કલાપ્રેમી સુરતની જનતાએ આનંદ માણ્યો હતો. ગુજરાતમિત્રને આ પ્રસંગે પદમશ્રી કલાકાર સાથે વિશેષ મુલાકાત લેવાનો અવસર મળ્યો હતો. જેના અંશો અહીં પ્રસ્તુત છે.

  • મોબાઈલ અને સોશિયલ મીડિયાએ બાળકોનું જીવન બરબાદ કર્યું
  • ગુરુ-શિષ્ય પરંપરા જ શાસ્ત્રીય નૃત્યનું મૂળ – માધવી મુદ્ગલની ગુજરાતમિત્ર સાથે વિશેષ વાત

સવાલઃ તમે શરૂઆતમાં ભરતનાટ્યમ અને કથકની તાલીમ લીધી હતી, પછી ઓડિસી તરફ કેવી રીતે અને શા માટે આકર્ષાયા? તે સમયે નિર્ણય લેતી વખતે શું વિચાર હતો?

જવાબઃ મારો જન્મ સંગીતમય વાતાવરણમાં થયો હતો. મારા પિતાજીએ દિલ્હીમાં પહેલી ગાંધર્વ વિશ્વવિદ્યાલયની સ્થાપ્ના કરી હતી. મ્યુઝિક-ડાન્સના ક્લાસ હું બાળપણથી જ ભાગ લેતી. ત્યારે ઓડિસી હતું જ નહીં. એટલે ભરતનાટ્યમ-કથ્થકથી શરૂઆત કરી હતી. જ્યારે મેં યુવાન વયે ઓડિસી જોયું. તેનું લાલિત્ય મને પસંદ પડ્યું અને તેની તરફ વળી.

સવાલઃ ગુરુ કેલુચરણ મોહાપાત્ર સાથેની તમારો સૌથી યાદગાર અનુભવ કયો રહ્યો છે? તેમની શિક્ષણ-શૈલીમાં તમને સૌથી વધુ પ્રભાવિત કરનાર વિશેષતા શું હતી?
જવાબઃ મારા જીવન નહીં ઓડિસી નૃત્ય કળાના વિકાસમાં તેમનું અદ્દભૂત યોગદાન રહ્યું છે. તેમણે અનેક શિષ્યા તૈયાર કરી.

સવાલઃ તમારા મતે ઓડિસીનું સૌથી મોટું લક્ષણ શું છે જે અન્ય શાસ્ત્રીય નૃત્યોમાંથી તેને અલગ પાડે છે?
જવાબઃ તે શાસ્ત્રીય નૃત્ય છે, પરંતુ ઓડિસીમાં મૂર્તિ ભંગિમા છે. નૃત્યકારની પોઝિશન ત્રિભંગ હોય છે. તે અન્ય શૈલીઓમાં નથી. તેથી ઓડિસીના મૂવમેન્ટ મૂર્તિવંત પ્રતિત થાય છે.

સવાલઃ ઓડિસીની પરંપરાગત શૈલીને જાળવી રાખીને તમે તેમાં પોતાની સંવેદનશીલતા અને સૂક્ષ્મ રીતે ફેરફાર કર્યા છે. આ સંતુલન કેવી રીતે જાળવો છો?
જવાબઃ હું ચેન્જ નહીં કહીશ પરંતુ દરેક કલાકાર પોતાની ધારા આપે છે. હું દિલ્હીમાં આર્કિટેકની સ્ટુડન્ટ રહી છું. લોકોનું ઓબ્ઝર્વેશન કહે છે કે મારા નૃત્યમાં આર્કિટેક્ચર રિધમ, ડિરેક્શનની ફિલીંગ દેખાય છે.

સવાલઃ તમે ઘણા સમયથી ગુરુકુળ શૈલીમાં શિક્ષણ આપો છો — આજના ડિજિટલ યુગમાં શું ઓનલાઈન/વર્ચ્યુઅલ શિક્ષણ શાસ્ત્રીય નૃત્યના ગુરુ-શિષ્ય પરંપરાને અસર કરી રહ્યું છે?
જવાબઃ હું વર્ચ્યુઅલ નૃત્ય શીખવાડતી નથી. તે યોગ્ય નથી. આ કળા ગુરુની સમક્ષ જ શીખી શકાય. વર્ષોની તપસ્યા બાદ ઓડિસી નૃત્યનું ઊંડાણ સમજી શકાય છે. તમે કશું બની જશો પરંતુ તેમાં ઊંડાણ નહીં આવે. ઈન્ટરનેટ ગુરુ પાસે દિશા લેવા પૂરતી છે. શાસ્ત્રીય નૃત્ય કળા શીખવા ગુરુ-શિષ્યા પરંપરા જ યોગ્ય છે.

સવાલઃ આજના સમયમાં ઓડિસીને વધુ યુવા પેઢી સુધી પહોંચાડવા માટે તમે કયા પડકારો જુઓ છો અને તેના ઉકેલ તરીકે શું સૂચન કરશો?
જવાબઃ ઈન્ટરનેટ સૌથી મોટી ચેલેન્જ છે. તે ડોક્યુમેન્ટેશન પૂરતું બરોબર છે. ઓફલાઈન શીખવવામાં પણ ચેલેન્જ છે. બાળકો આસપાસ સમયનો જંજાળ છે. એકથી વધુ ચીજો શીખવા પર ધ્યાન હોવાના લીધે એક કળા પૂરું ધ્યાન આપી ઊંડાણપૂર્વક શીખી શકતા નથી. વળી, મોબાઈલે બાળકોનું જીવન બરબાદ કર્યું છે. સોશિયલ મીડિયામાં એક મિનિટમાં જોયું તે સારા ડાન્સર હોઈ તે જરૂરી નથી.

સવાલઃ સુરત કેવું લાગ્યું, અહીં શું ગમ્યું?
જવાબઃ સુરત ખૂબ જ સ્વચ્છ શહેર છે. અહીંનું ભોજન મને ખૂબ ગમ્યું. વિશેષ આગ્રહ કરી હું ગુજરાતી થાળી જમી છું. મને તે ખૂબ પસંદ પડી.

Most Popular

To Top