National

EDનો આરોપ- કેજરીવાલ જાણીજોઈને કેરી અને મીઠાઈ ખાઈ રહ્યા છે જેથી બ્લડ સુગર વધે અને જામીન મળે

નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 18 એપ્રિલ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર મોટો આરોપ લગાવ્યો છે. EDએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલ તિહાર જેલમાં જાણી જોઈને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. જેથી તેમનું શુગર લેવલ વધી જાય અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી જાય.

EDએ ગુરુવારે કોર્ટમાં દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલને ડાયાબિટીસ છે અને તેઓ ઘરે બનાવેલું ભોજન અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. તેથી તેમનું શુગર લેવલ વધી ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલ આવું એટલા માટે કરી રહ્યા છે જેથી તેમને મેડિકલ જામીન મળી શકે. ED વતી એડવોકેટ ઝુહૈબ હુસૈને કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખાંડમાં વધારો થવાનું કારણ તેમના ઘરે બનાવેલું ભોજન છે. તેમને ઘરેથી ખાવા માટે બટાકા, પુરી, કેરી અને મીઠી વસ્તુઓ આપવામાં આવી રહી છે. કેજરીવાલ આવું જાણી જોઈને કરી રહ્યા છે જેથી તેમને મેડિકલ ઈમરજન્સીના કારણે જામીન મળી શકે.

કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં 18 દિવસથી તિહાર જેલમાં બંધ છે. કોર્ટે તેમને ઘરનું ભોજન ખાવાની છૂટ આપી છે. કેજરીવાલના વકીલ વિવેક જૈને ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલના ડૉક્ટર પાસેથી મેડિકલ કન્સલ્ટેશનની માંગ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે કેજરીવાલ ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી છે અને તેમનું બ્લડ શુગર લેવલ સતત વધઘટ થતું રહે છે.

જવાબમાં EDએ રાઉઝ એવન્યુ કોર્ટને કહ્યું કે કેજરીવાલ તિહાર જેલમાં જાણીજોઈને મીઠાઈઓ ખાઈ રહ્યા છે જેથી તેમનું શુગર લેવલ વધે અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી શકે. કેજરીવાલના ઘરેથી પણ આવો જ ખોરાક આવી રહ્યો છે જેમાં ખાંડ અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ છે.

Most Popular

To Top