સુરત : સુરતના (Surat) વરાછા (Varacha) હીરા બજારમાં (Diamond) કારીગરે (DiamondWorker) જુના કારીગર સાથે મળીને છેલ્લા 6 મહિનામાં 19.27 લાખના હીરા બદલી કાઢ્યા હતા. આ હીરાના બદલામાં નીચી ગુણવત્તાના નકલી હીરા (Fake Diamond) મુકી બદલી કાઢતા હતા. માલિકના ધ્યાને આવતા સીસીટીવીમાં (CCTV) ચેક કર્યુ ત્યારે કારીગર ખિસ્સામાં પડીકી નાખતો પકડાયો હતો. અને સમગ્ર ઘટના સામે આવી હતી. વરાછા પોલીસે બંનેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- વરાછા મીનીબજારના અનમ જેમ્સ પ્રા.લિ. માં 6 મહિનામાં 19 લાખના હીરાની ચોરી
- કારીગર અસલી હીરા વેચી સેમ નીચી ક્વોલીટીના હીરા બનાવી આપતો હતો
મોટા વરાછા ખાતે લીબર્ટી નાઈન સુદામા ચોક પાસે રહેતા 39 વર્ષીય નિલેશભાઇ રાઘવભાઇ બલર વરાછા મીનીબજાર ખાતે આવેલા અનમ જેમ્સ (Aanam Gems) પ્રા.લિ.માં નોકરી કરે છે. તેમણે વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રવિણ હીરાભાઇ ઝાપડા (ભરવાડ) (રહે. ઘર નં.૮૫, ભગીરથ સોસાયટી વિભાગ- ૧, એલ.એચ. રોડ વરાછા) અને અલ્પેશભાઇ રતિભાઇ મેવાડા (કુંભાર) (ઉ.વ.૩૧, ધંધો. સાડી કલર કરવાનો રહે. ઘર નં. ૨૧, ક્રિષ્નાપાર્ક સોસાયટી, પૂણાગામ તળાવ, નહેર રોડ પૂણાગામ) ની સામે ફરિયાદ નોંધાવી હતી.
કંપનીમાં 200 કારીગરો કામ કરે છે. જેમાં આ પ્રવિણ ઝાપડા રાઈટર તરીકે નોકરી કરે છે. તે કંપનીના તૈયાર હીરા જમા કરાવવાનું કામ કરે છે. અને નિલેશભાઈ આ તમામ જમા હીરા શેઠની ઓફિસે પહોંચાડે છે. છેલ્લા 6 મહિનાથી શેઠ જે હીરા આપે તેમાં ફેરફાર લાગતો હોવાની તેમણે નિલેશને ફરિયાદ કરી હતી.
જેથી કારીગરો પર વોચ હતી ત્યારે 19 જુને આ પ્રવિણ ઝાપડા તૈયાર હીરાના જાગડ તેના પેન્ટના ખિસ્સામાં નાખતો સીસીટીવીમાં જોવા મળ્યો હતો. જેથી તેને ઓફિસમાં બોલાવી ચેક કરતા પહેલા તેણે હીરા ચોરી કર્યાનો ઇનકાર કર્યો હતો. તેના ખિસ્સા તપાસતા બે જાગડ મળી આવી હતી. તે છેલ્લા 6 મહિનાથી રોજ 8 કેરેટ તૈયાર હીરાની જાગડમાંથી હીરા ફેરબદલી કરી ચોરી કરતો હતો.
આ હીરા અગાઉ કંપનીમાં કામ કરતા અલ્પેશ રતિ મેવાડાને આપતો હોવાની કબૂલાત કરી હતી. અને અલ્પેશ આ હીરા માર્કેટમાં વેચી તેના બદલે હલકા હીરા આપતો હતો. અને હીરા વેચીને જે પૈસા મળે તે બંને વેચી લેતા હતા. છેલ્લા 6 મહિનામાં વેચેલા હીરાનો હિસાબ કરતા કુલ 19.27 લાખના હીરાની ચોરી કરી હતી. વરાછા પોલીસ સ્ટેશનમાં બંનેની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.