SURAT

ઇંગ્લેન્ડ રહેતા દંપતીને માતા-પિતા બતાવી જમીન દલાલે તેમના 8 પ્લોટ બીજાને વેચી માર્યા

સુરત: (Surat) પાલી ગામમાં આવેલા આઠ પ્લોટના માલિક દંપતી વર્ષોથી ઇંગ્લેન્ડમાં (England) રહે છે. બે વકીલોએ એક સ્ટેમ્પ વેન્ડર સાથે મળી દંપતીના બોગસ પુત્રના નામે બતાવી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચાણ કરી છેતરપિંડી કરવામાં આવી હતી. ઇકો સેલ દ્વારા ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) ફરિયાદ નોંધી બે વકીલ અને એક સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં ક્રાઈમ બ્રાચે ગઈકાલે જમીન દલાલની ધરપકડ કરી છે.

  • ઇંગ્લેન્ડ રહેતા દંપતીને માતા-પિતા બતાવી તેમના 8 પ્લોટ બીજાને વેચી મારનાર જમીન દલાલ પકડાયો
  • આ કેસમાં 13 આરોપીઓ પૈકી જે તે સમયે પોલીસે બે વકીલ અને એક સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ કરી હતી

વેડરોડ ખાતે તૃપ્તિ સોસાયટીમાં રહેતા 59 વર્ષીય ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ સોનાણીએ ક્રાઈમ બ્રાંચમાં ગત ઓગસ્ટ 2022 માં ફરિયાદ નોંધાવી હતી. સચિન જી.આઇ.ડી.સી.ના પાલી ગામ ખાતે આવેલા બ્લોક નં.41ના પ્લોટ નં-313થી 320 સુધીના એમ કુલ આઠ પ્લોટના માલિકો માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ, તેમનાં પત્ની ચન્દ્રકલા ચૌહાણ, જગદીશ બેચર રાજપૂતે વર્ષ-1998ના વર્ષથી ઇંગ્લેન્ડ ખાતે રહે છે. તેમના આ પ્લોટો જે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીના કારણે તે જમીનના અસલ દસ્તાવેજો બહુમાળી ખાતે સબ રજિસ્ટાર કચેરીમાં જમા છે. આ અંગેની માહિતી આરોપીઓએ કોઇક રીતે મેળવી અસલ દસ્તાવેજો સબ રજિસ્ટારની કચેરીમાંથી છોડાવી લીધા હતા.

ત્યારબાદ દસ્તાવેજોમાં જણાવેલા અસલ માલિકોનાં નામ સાથે મળતા આવતાં બીજા અન્ય વ્યક્તિઓ સાથે મળી કાવતરું રચ્યું હતું, જેમાં હિતેશ માણેકલાલ ચૌહાણના નામનો ખોટો વ્યક્તિ ઊભો કરાયો હતો. તેણે માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ, ચન્દ્રકલાબેન પોતાનાં સગાં માતા-પિતા થતા હોવાનું અને તેઓએ પાવર આપેલો હોવાનું જણાવ્યું હતું. ખોટા પાવરો વર્ષ-2006માં ઊભા કરી તે પાવરોનો આધાર લઇ સબ રજિસ્ટ્રાર રૂબરૂ પોતે જ માલિક હોવાનું જણાવ્યું હતું. અને તેના દસ્તાવેજ બનાવી આપ્યા હતા. ત્યારબાદ જગદીશ બેચર રાજપૂત નામનો ખોટો વ્યક્તિ પણ ઊભો કરાયો હતો. પાલી ગામના આ પ્લોટ પોતાની માલિકીના હોવાનું જણાવ્યું હતું. ખોટી રીતે સબ રજિસ્ટારમાં રૂબરૂ પોતે માલિક હોવાનું જણાવી તેના વેચાણ દસ્તાવેજ વર્ષ-2016માં બનાવી આઠેય પ્લોટના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. અને તેના રૂપિયા બે વકીલ અને એક સ્ટેમ્પ વેન્ડરે મેળવી છેતરપિંડી કરી હતી.

ઇકો સેલ દ્વારા ક્રાઈમ બ્રાંચમાં કુલ 13 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે તે સમયે પોલીસે બે વકીલ અને એક સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ કરી હતી. ગઈકાલે ક્રાઈમ બ્રાંચે જમીન દલાલ અનિલ રમાશંકર સિંઘ (ઉ.વ ૫૪, રહે. ગામ બદોના પોસ્ટ સરૈઇમોહીઉદ્દનીપુર થાના સાગંજ જી. જોનપુર ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી હતી.

Most Popular

To Top