World

ન્યુઝીલેન્ડમાં ફરી આવ્યો જોરદાર ભૂકંપ, 6.9 તીવ્રતા માપવામાં આવી

નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) આવેલા વિનાશક ભૂકંપ (Earthquake) બાદ બીજા ઘણા દેશોમાં પણ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે ન્યુઝીલેન્ડની (New Zealand) ધરતી ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. 4 માર્ચ શનિવારે ન્યુઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા બાદ લોકોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ન્યુઝીલેન્ડના દૂર ઉત્તરમાં પેસિફિક ક્ષેત્રમાં કર્માડેક ટાપુઓમાં શનિવારે સાંજે 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ સુનામીને લઈને પણ આગાહી કરવામાં આવી હતી. જો કે હાલમાં સુનામીનો કોઈ ખતરો જણાવવામાં આવ્યો નથી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હજી સુધી સામે આવ્યા નથી.

ભૂકંપના કારણે ન્યુઝીલેન્ડની ધરતી ફરી ધ્રૂજી ઉઠી
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે શનિવારે ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુઓમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસજીએસએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 152 કિમી (94 માઇલ) ની ઊંડાઇએ હતું. અગાઉ યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે 6.6ની તીવ્રતા અને 183 કિમીની ઊંડાઈનો અંદાજ લગાવ્યો હતો. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.

ગયા મહિને પણ ભૂકંપ આવ્યો હતો
ગયા મહિને પણ ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ન્યુઝીલેન્ડમાં 15 ફેબ્રુઆરીની બપોરે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ગતિવિધિઓ વિશે માહિતી આપતી એજન્સીએ જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડમાં લોઅર હટથી લગભગ 78 કિમી ઉત્તર પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

ન્યુઝીલેન્ડમાં વાવાઝોડાએ વિનાશ સર્જયો
ન્યુઝીલેન્ડમાં ગયા મહિને વાવાઝોડા “ગેબ્રિયલ”ના કારણે ઘણું નુકસાન થયું હતું. ચક્રવાતને કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. ભારે પવનના કારણે હજારો ઘરોની વીજળી ગુલ થઈ ગઈ હતી. સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી.

રીંગ ઓફ ફાયર હેઠળ આવે છે ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડ રીંગ ઓફ ફાયર હેઠળ 22 ફેબ્રુઆરી 2011ના રોજ, ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 181 લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સિસ્મિકલી એક્ટિવ રિંગ ઓફ ફાયર હેઠળ આવે છે, જે 40 હજાર કિલોમીટરનો આર્ક વિસ્તાર છે જે સિસ્મિક અને જ્વાળામુખીની ગતિવિધિઓ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને તેનો મોટાભાગનો ભાગ પેસિફિક મહાસાગરમાં છે.

Most Popular

To Top