Vadodara

મુખ્યમંત્રીના આગમન પહેલા નેતાઓ નજર કેદ :

એમ.એસ.યુનિવર્સિટીના 72માં પદવીદાન સમારોહમાં વિરોધ ન થાય તે માટે કોંગ્રેસના ઋત્વિજ જોષી અને કપિલ જોષી નજર કેદ

કમાટીબાગમાં મોર્નિંગ વોકમાં ઋત્વિજ જોષીની પાછળ પાછળ પોલીસનું પણ મોર્નિંગ વોક

( પ્રતિનિધિ ) વડોદરા તા.4

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 72 મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. જોકે મુખ્યમંત્રી આવે તે પહેલા જ એમએસ યુનિવર્સિટીના સેનેટ મેમ્બરને તેમના ઘરમાં નજર કેદ કરવામાં આવે છે. તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી પર વડોદરા ક્રાઈમ બ્રાન્ચ નજર રાખી રહી છે. તેઓ આજે સવારે કમાટીબાગમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તેમની પાછળ પાછળ દોડતી હતી.

કપિલ જોષીના ઘરની બહાર પોલીસનો પહેરો

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એમ.એસ.યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં આવવાના હોવાથી વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ થઈ ગઈ છે અને કોંગ્રેસના નેતાઓ અને સેનેટ મેમ્બર પર નજર રાખી રહી છે. તેઓએ બહાર નીકળશે તો તેમની ધરપકડ થઈ શકે છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હોવાથી ગઈકાલ રાતથી જ મારા ઘરની બહાર ક્રાઈમ બ્રાન્ચ વાળાએ પહેરો આપ્યો છે અને આજે સવારે હું જ્યારે ઘરેથી નીકળીને કમાટીબાગ વોક કરવા આવ્યો ત્યારે ત્યાં પણ મારી પાછળ પોલીસ પણ દોડી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના નેતા ઓ કોંગ્રેસના નેતાઓથી ગભરાય છે શું કામ ? મહારાજા સયાજીરાવ વિશ્વવિધ્યાલયનો રવિવારે 72 મો પદવીદાન સમારોહ યોજાવા જઇ રહ્યો છે. આ પદવીદાન સમારોહમાં કુલ 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 231 વિદ્યાર્થીનીઓ અને 113 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓના ફાળે ગયા છે. આ સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવવના હોવાથી
વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સમારોહ સ્થળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. યુનિવેર્સિટી હેડ ઓફિસની પાછળ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉંડ ખાતે પદવીદાન સમારોહ યોજાનાર છે. વાઇસ ચાન્સેલર પ્રો.ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા જે વિભાગોમાં કે કોર્સમાં એક પણ ગોલ્ડ ન હોય તેવા વિભાગો કે કોર્સમાં યુનિવર્સિટીએ ગોલ્ડ મેડલ એનાયત કરવો જોઇએ તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે પ્રસ્તાવને ઇ.સી. સભ્યોએ આવકાર્યો છે. જેથી આ વર્ષે વધુ 25 નવા ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. જેથી કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 345 એ પહોંચી છે. આ સમારોહમાં જે વિદ્યાર્થી હાજર હશે તેનેજ ગોલ્ડ મેડલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એમ.એસ. યુનિવર્સિટીમાંથી મળેલી માહિતી પ્રમાણે 221 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવનાર છે. જેમાં વિવિધ ફેકલ્ટીના 76 જેટલા વિદ્યાર્થીઓને 1 કરતા વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. 72 માં પદવીદાન સમારોહમાં કુલ 13599 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. જેમાં 70 PHD, 2931 માસ્ટર ડિગ્રીના છે. 591 પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top