Dakshin Gujarat

દમણ ફરવા જઈ રહેલા યુવક-યુવતીની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત

પારડી: (Pardi) વલસાડનો યુવક વાંસદા રહેતી મિત્ર સાથે બાઈક (Bike) પર દમણ ફરવા જઈ રહ્યો હતો. દરમિયાન પાર નદીના પુલ ઉપર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવક-યુવતી પટકાયા હતા. જે ઘટનામાં અજાણ્યા વાહનનું ટાયર યુવતી પર ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું.

  • દમણ ફરવા જઈ રહેલા યુવક-યુવતીની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત
  • પાર નદીના પુલ ઉપર અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતા યુવતીનું મોત નીપજ્યું. યુવકને સિવિલમાં ખસેડાયો

અકસ્માતની ઘટનાની મળતી વિગતો મુજબ વલસાડ ખાતે રહેતો 26 વર્ષીય યુવક શૈલેષ સોનીભાઈ ગવળી તેની વાંસદા ખાતે રહેતી 23 વર્ષીય મિત્ર સાથે બાઈક પર સવાર થઈ દમણ ફરવા જઈ રહ્યો હતો. દરમિયાન પાર નદીના પુલ ઉપર પાછળથી આવતા અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર યુવક-યુવતી નેશનલ હાઈવે પર પટકાયા હતા. જે ઘટનામાં અજાણ્યા વાહનનું ટાયર યુવતી પર ફરી વળતા તેને મોઢા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આસપાસના રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 108ની ટીમને કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત યુવતી અને યુવકને વધુ સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં યુવતીને ગંભીર ઇજાઓને લઈ તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. સમગ્ર બનાવને પગલે યુવતીના પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી.

Most Popular

To Top