Charchapatra

કોરોનાની બીજી લહેરમાં સરકારી તંંત્ર ગોથા ખાય ગઈ

હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા કોઇને જ નથી ખબર, લાખો સંક્રમિત થયા છે. કાંઇ કેટલાયે પોતાનો સ્વજનો ગુમાવ્યા છે તો કેટલાયે બાળકો નોંધારા થઇ ગયા છે. અનેક રાજયોએ લોકડાઉન જાહેર કરતા ધંધા અને ઉદ્યોગોને મરણતોલ ફટકો પડયો છે. માયા નગરી મુંબઇ શાંત થઇ ગઇ છે! દેશભરમાં ઓકિસજન, ઇંજેકશનો અને મરણના દાખલાઓ લેવા લાઇનો લાગે છે તો કયાંક ઇંજેકશનોના કાળાબજાર થઇ રહયા છે તો કયાંક નકલી વેચાઇ રહયા છે. સ્મશાનોમાં અડધી રાતે પણ ચિતાઓ સળગી રહી છે! આ બધાથી બેબાકળી બનેલી જનતા નેતાઓ પાસે મદદની ભીખ માંગે છે પણ કેટલાક નેતાઓ મદદ કરવા ઇચ્છતા હોવા છતા લાચાર છે તો કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા છે! નેતાઓને હોસ્પિટલોમાં સરળતાથી બેડ મળી રહયા છે અને જનતાને હોસ્પિટલોના પાર્કીંગમાં કે એમ્બ્યુલન્સમાં સારવાર અપાઇ રહી છે! દેશભરમાં રસીની અછત વર્તાઇ રહી છે અને સરકારી તંત્રમાં સંકલનના અભાવે જનતા રસીકરણ માટે દરબદરના ધક્કા ખાઇ રહી છે. દેશને જયારે રસીની તાતી જરૂરિયાત છે ત્યારે રસીનો સ્ટોક ઉપલબ્ધ નથી! આ બધું જોતા એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ કે કયાંને કયાંક કોરોનાની બીજી લહેરને પારખવામાં સરકાર ગોથા ખાઇ ગઇ છે અને કદાચ એટલે જ નદીમાન શબો ભરી રહયા છે.
સુરત- ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top