Dakshin Gujarat

સિવિલના કારભાર અંગે મને ફરિયાદ કરવી હતી, એવું રટણ કરતાં નવસારી સિવિલ RMO

કોરોનાના ( corona ) આ બીજા વેવમાં નવસારી જિલ્લો જન પ્રતિનિધિવિહોણો હોય એવી છાપ ઉઠી છે. નવસારીનું વહીવટીતંત્ર જાણે પ્રજા વિમુખ હોય એમ સતત બેદરકાર રહીને પ્રજાની હાડમારી વધારતું રહ્યું છે, તો જન પ્રતિનિધિઓનું કશું ઉપજતું નહી હોવાને કારણે કોરોનાના આ કાળમાં સેવાઓ સુધરતી નથી. નવસારી સિવિલ ( navsari civil hospital) માં મૃત્યુ સમીપ પહોંચી ગયેલાઓને આખરી પાણી પીવડાવવા જેટલી માનવતા પણ બચી નથી, ત્યારે મૃતકના ભાઇ ધર્મેશ પટેલને નવસારી સિવિલના આરએમઓએ અમને ફરિયાદ કરવી જોઇતી હતી, એવું રટણ કરતા રહ્યાનું જાણવા મળે છે.

ખરેખર તો નવસારી સિવિલનો કારભાર કથળે નહીં એ માટે આરએમઓ કે કોરોનાના વિભાગના વડાએ સતત તકેદારી રાખવી જોઇએ. ફરિયાદ થાય તેની રાહ જોવાની કોઇ જરૂર નથી. એ સંજોગોમાં આરએમઓ કોરોનાના દર્દીની મુલાકાત લઇને સારવાર અંગે કે કોઇ બીજી મુશ્કેલી અંગે પૂછતા રહે એ વધુ જરૂરી છે, એમ થાય તો સ્ટાફ ચોંકેલો રહે અને દર્દીઓની અસુવિધા બંધ થાય. એ ઉપરાંત દર્દીને પણ સારૂં લાગે. તેમના સબંધીઓને મળવા જવા દેવાતા નથી, ત્યારે માનસિક રીતે પડી ભાંગતા દર્દીઓનો જોમ જુસ્સો વધારાય તો તેમને સાજા થવામાં પણ ઘણી રાહત થઇ જાય એમ છે. નવસારી કાલિયાવાડીના જાગૃતિબેન પંચોલીના ભાઇ ધર્મેશનો વીડિયો બહાર આવતા નવસારી સિવિલના કારભારની વાત આપણું હૈયું હચમાચાવી મૂકે એવી છે.
ધર્મેશના વીડિયો અંગે આજે અહેવાલ પ્રકાશિત થતાં આરએમઓએ ધર્મેશને પોતાને ફરિયાદ કરવી જોઇએ એવું જણાવ્યું હતું. આરએમઓ એ ભુલી જાય છે કે સામાન્ય માણસ પાસે તેમનો નંબર હોતો નથી. હેલ્પ લાઇન નંબર કોઇ ઉપાડતું ન હોય ત્યારે તેઓ કોને ફરિયાદ કરવા જાય ?

નવસારી સિવિલ હોસ્પિટલ સામાન્ય વર્ગના લોકો માટે સારવારનું મહત્વનું કેન્દ્ર છે. સિવિલમાં શ્રીમંતો આવતા નથી. નેતાઓએ સિવિલની મુલાકાત ફક્ત ફોટા પડાવવા માટે જ કરી હોય એમ છે. નવસારીમાં રહેતા નેતાઓએ અચાનક સિવિલની મુલાકાત લઇને દર્દીઓને પૂછીને મુશ્કેલી કે હાડમારી અંગે જાણકારી મેળવવી જોઇએ. એ સંજોગોમાં સુવિધા સુધારવાની તક રહે છે.

દર્દી પોતાના સબંધી સાથે ફોન પર વાત કરી શકે એવો સેતુ ઊભો કરવો જોઇએ
નવસારી સિવિલના કોરોના વોર્ડનો કારભાર સુધારવો હોય તો હોસ્પિટલ અને દર્દીઓ વચ્ચે એક સેતુ ઊભો થાય એ માટે કોઇ જાણકાર અને વગદાર અધિકારી દર્દીના સબંધીઓને મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ, જેથી તેમને સીધી ફરિયાદ સબંધી કરી શકે. ઉપરાંત પોતાના સબંધી દર્દીની સ્થિતિ કેવી છે, તેની પણ જાણકારી મેળવી શકે. અત્યારે તો દર્દીને પોતાના સ્વાસ્થ્ય સ્થિતિ અંગે કશી ખબર ન હોય અને સબંધી સાથે ફોન પર જ વાત થઇ શકે છે. એ સંજોગોમાં ક્યાંક સેતુ ઊભો કરાય તો સબંધીને પણ ધરપત થાય અને દર્દીને પણ.

તપાસ કરીશ : આરએમઓ શાહ
જે ભાઇની બેન નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતી હતી અને પાણી નહી મળ્યું એવો વીડીયો વાયરલ થયો હતો. તેમની મૃતક બેનનું નામ મેળવ્યું છે. એ કેસની તપાસ કરીશ. પણ આ ભાઇએ કોઈક તકલીફ હોય તો પહેલા મને ફરીયાદ કરવાની હતી. એવુ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ શાહે જણાવ્યું હતું.

Most Popular

To Top