Gujarat

અંબાજીમાં 10 હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ

ગાંધીનગર : રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ઉજવણીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અન્વયે વન વિભાગે ગબ્બર પર્વત નજીક મીયાવાકી પદ્ધતિથી તૈયાર કરેલા ૧૦ હજાર રોપાઓના વન કવચનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ સાથે વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં વધારો કરવા સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના આવા વન કવચની નેમ દર્શાવી હતી.

પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ અપનાવીને તથા વૃક્ષોના જતન-સંવર્ધનથી ગ્રીન કવર વધારવાનું આહવાન કરતાં પટેલે વધુમાં અંબાજી તથા તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં કુદરતી રીતે બીજ નથી પહોંચતા અને ધીરે-ધીરે વનસ્પતિનું આવરણ ઓછું થતું જાય છે તેવા ૧૦૦ થી ર૦૦ હેક્ટર વિસ્તારોમાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ અને સીડ વાવેતરનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ગુજરાતને ગ્રીન ગ્રોથ-હરિત વિકાસની નવી ઊંચાઇએ લઇ જવું છે. તેમણે ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે પર્યાવરણ જતનની લડાઇ લડીને આપણી આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપવાનો સંકલ્પ કરવા પણ આ તકે આહવાન કર્યુ હતું.

પીએમ નરેન્દ્ર મોદી મિશન લાઇફ અન્વયે પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવાનો જે વિચાર આપેલો છે તેને અનુસરતાં ગુજરાતમાં પર્યાવરણ જાળવણી સાથે ઉદ્યોગો પણ વધે તે માટેની રાજ્ય સરકારની ભૂમિકાની પટેલે છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીએ રાજ્યમાં સાંસ્કૃતિક વનોના નિર્માણનો પ્રારંભ અંબાજીમાં માંગલ્ય વન થી કરાવ્યો હતો. આજે આવા રર વનો રાજ્યભરમાં છે અને અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં મોટાપાયે વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક ઊભા કરવામાં આવી રહ્યા છે.

પટેલે કહ્યું હતું કે, ગયા વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી રાજ્યમાં નમો વડ વન યોજના થકી ૮ર સ્થળોએ ૭પ વડ વૃક્ષોના વાવેતરને વ્યાપક લોકપ્રતિસાદ મળ્યો છે. દરિયાઇ ખારાશ વધતી અટકાવવા વડાપ્રધાનના નેતૃત્વમાં ‘મિષ્ટી’ પ્રોજેક્ટ અન્વયે ગુજરાતમાં ૧૧ જિલ્લામાં રપ સ્થળો સહિત દેશભરમાં ૭પ સ્થળોએ મેન્ગ્રુવ વાવેતર માટે આ વર્ષના પર્યાવરણ દિવસથી લોકજાગૃતિ જગાવવામાં આવી રહી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.

મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવાની નેમ વ્યકત કરતા જણાવ્યું હતું કે, આ જિલ્લાને લીલોચ્છમ હરિયાળો બનાવવામાં કશુ બાકી ન રહી જાય એ અમારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, આજે અંબાજીમાં આદ્યશકિત્ત માતાજીના ચરણોમાં ગુજરાત અને દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી છે. દાદાએ આજે અઁબાજીમાં માઁ આદ્યશકિત્તની પૂજા અર્ચના પણ કરી હતી.

Most Popular

To Top