Sports

વિરાટ કોહલીની સદીનો દુકાળ ક્યારે પૂરો થશે

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક સમયે એવી હાક બોલતી હતી કે તે જ્યારે બેટિંગમાં ઉતરતો ત્યારે ચાહકો એવી આશા રાખતા હતા કે વિરાટ કોહલી ઝડપભેર એક પછી એક રેકોર્ડ બનાવતો જશે અને એક સમય એવો આવશે કે તે બધાથી આગળ નીકળી જશે. જો કે એક સમયે જેની વિશ્વ ક્રિકેટમાં હાંક બોલતી હતી તે વિરાટ કોહલીની એવી માઠી દશા બેઠી છે કે 23 નવેમ્બર 2019 પછી તે એકપણ સદી ફટકારી શક્યો નથી. વિરાટના ચાહકો દરેક મેચ સમયે એવી આશા રાખે છે કે વિરાટ કોહલી છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલી આવતા સદીના આ દુકાળનો હવે ખાતમો કરી દેશે, પણ દરેક મેચમાં તેમની એ આશા ઠગારી નીવડે છે. વિરાટ કોહલીની ઇન્ટરનેશનલ સદીનો આંકડો 70 પર પહોંચ્યા પછી ત્યાં એવી બ્રેક લાગી છે કે તેનાથી વિરાટ આગળ વધી જ શક્યો નથી.

વિરાટ કોહલી પોતાની 79મી સદી પછી ક્રિકેટના ત્રણેય ફોર્મેટ મળીને 52 મેચ રમી ચુક્યો છે અને તેની કુલ 59 ઇનિંગમાં તેણે 39.61ની એવરેજથી અત્યાર સુધી કુલ 2060 રન બનાવ્યા છે. જેમાં 20 અર્ધસદીનો સમાવેશ થાય છે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં રમાઇ રહેલી પ્રથમ બોક્સિંગ ડે ટેસ્ટમાં કોહલી પાસે એક મોટી ઇનિંગની આશા રખાતી હતી અને તેની રમત જોઇને લાગતું હતું કે હવે સદીનો દુકાળ પુરો થવાની પુરી સંભાવના છે. જો કે એવું ન થયું અને તે 94 બોલમાં 4 ચોગ્ગાની મદદથી  35 રન બનાવીને સારી રિધમમાં લાગતો હતો. એકરીતે કહેવામાં આવે તો તે સેટ થઇ ગયો હતો અને એવું લાગતું હતું કે કોઇ સારા સમાચાર સાંજ સુધીમાં મળી જશે. પણ લુંગી એન્ગીડીની પાંચમા સ્ટમ્પની લાઇન પરના બોલને મારવાના પ્રયાસમાં બોલ તેની બેટની ધારને અડીને સ્લીપમાં ઊભેલા વિઆન મુલ્ડરના હાથમાં સમાઇ ગયો હતો અને તેની સાથે જ તેના ચાહકોની આશાનો અંત આવી ગયો હતો.

વિરાટ કોહલી છેલ્લા ઘણાં સમયથી ઓફ સ્ટમ્પની લાઇન બહારના બોલને છેડવા જતા આઉટ થતો રહ્યો છે અને તે એવો બેટ્સમેન છે કે પોતાની એ ભુલને સુધારી શકે તેમ છે. છતાં એ ભુલ સુધરતી નથી તો તેની પાછળનું કારણ શું છે એ સમજવા માટે તેણે પોતાના ઇગોને કોરાણે મુકીને રાહુલ દ્રવિડની મદદ લેવી જોઇએ. કોહલી માટે એવું કહેવાય છે કે તે એકવાર 30 રન પાર કરે તે પછી તેને અટકાવવો મુશ્કેલ બને છે. જો કે છેલ્લા બે વર્ષમાં એ વાત ખોટી પુરવાર થતી રહી છે અને તેની પાછળનું કારણ જે હોય તે વિરાટે જાતે જ શોધવાની જરૂર છે. વિરાટ એક એવો બેટ્સમેન છે કે જે આઉટ ઓફ ફોર્મ હોવા છતાં મોટી ઇનિંગ રમી જાય છે અને તેથી જ તે વિરાટ કોહલી છે. ત્યારે તેણે પોતાની જે ખામી છે તે શોધીને તેને દૂર કરવાની જરૂર છે અને તેના માટે તેણે જેની પણ મદદ લેવી પડે તેની મદદ લેવાની તૈયારી રાખવી જોઇએ.

વિરાટ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 70 સદી પુરી કરી ચુક્યો છે. તેણે પોતાની 70મી ઇન્ટરનેશનલ સદી બાંગ્લાદેશ સામે કોલકાતામાં 2019માં રમાયેલી પિન્ક બોલ ટેસ્ટમાં ફટકારી હતી અને તે પછી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તે સદી પુરી કરવા માટે મથી રહ્યો છે પણ 70ના આંકડાથી તે આગળ વધી જ નથી શક્યો. વિરાટ કોહલીએ 70મી સદી પછી રમેલી 52 ઇન્ટરનેશનલ મેચમાં જે 20 અર્ધસદી ફટકારી છે તેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 94 નોટઆઉટનો રહ્યો છે. એ ઇનિંગ તેણે ઇડનગાર્ડનમાં ફટકારેલી 70મી સદી પછી તરત જ વેસ્ટઇન્ડિઝ સામેની ટી-20 મેચમાં રમી હતી. વિરાટ કોહલી આ સમયગાળા દરમિયાન 94 રનની નોટઆઉટ ઇનિંગ ઉપરાંત 80થી 89 રનની 5 ઇનિંગ 70થી 79 રનની છ ઇનિંગ જ્યારે 60થી 69 રનની 3 ઇનિંગ અને 50થી 59 રનની 5 ઇનિંગ રમી ચુક્યો છે. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા પ્રવાસ દરમિયાન વિરાટ કોહલીનો રેકોર્ડ ઘણો સારો રહ્યો હતો અને તેથી તેની પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે કોહલી આ વખતે પણ એવી જ ધમાલ મચાવશે, જો કે હાલમાં એવું જણાતું નથી.

 વિરાટ કોહલીની કેરિયર પર નજર નાંખવામાં આવે તો એવું જોવા મળે છે કે આ પહેલા 2008માં જ્યારે તેણે પોતાના ડેબ્યુ કર્યું તે વર્ષે જ તે એકપણ સદી ફટકારી શક્યો નહોતો. તે સમયે તેણે માત્ર 5 ઇનિંગ રમી હતી અને તે પછી દરેક વર્ષે તેના નામે ઓછામાં ઓછી એક સદી તો નોંધાયેલી રહી છે. 2008 પછી 2020 અને 2021માં તેની બેટમાંથી હજુ સુધી સદી નીકળી નથી. 2020માં કોરોનાના કારણે ક્રિકેટ ઘણું ઓછુ રમાયું હતું પણ તેમાં પણ વિરાટનીન બેટમાંથી સદી નીકળી નહોતી અને 2021માં આખું વર્ષ ક્રિકેટ રમવા છતાં વિરાટના નામે સદી નોંધાઇ નથી. 2016થી 2019 સુધીના સમયગાળમાં વિરાટ કોહલીએ તમામ ફોર્મેટમાં કુલ મળીને 36 સદી ફટકારી હતી અને તે પછી એવો દુકાળ શરૂ થયો છે કે 70મી સદીથી તે આગળ વધી શક્યો નથી.

Most Popular

To Top