Sports

ટર્બેનેટર હરભજન સિંહની નિવૃત્તિ યોગ્ય સમયે લેવાયેલો યોગ્ય નિર્ણય

ભારતીય ક્રિકેટના સૌથી સફળ સ્પીનરોમાંથી એક એવા ઓફ સપીનર હરભજન સિંહે ગત શુક્રવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પંજાબના આ 41 વર્ષિય ખેલાડીએ પોતાની જોરદાર કેરિયરમાં 103 ટેસ્ટમાં 417 વિકેટ, 236 વન ડેમાં 269 વિકેટ અને 28 ટી-20 ઇન્ટરનેશનલમાં 25 વિકેટ લીધી છે. હરભજન સિંહે જે રીતે ક્રિકેટમાંથી યોગ્ય સમયે નિવૃત્તિ લેવાનો યોગ્ય નિર્ણય કર્યો છે તેને ધ્યાને લેતા એવું કહી શકાય કે ટર્બેનેટર તરીકે જાણીતા હરભજનને લાંબા સમયથી એવો અંદેશો આવી ગયો હતો કે ભારતીય ટીમમાં પુનરાગમન કરવાની હવે કોઇ સંભાવના નથી. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં યુવા ક્રિકેટરોનો જે નવો ફાલ આવ્યો છે તેમને ધ્યાને લેતા હરભજન પોતાના સમયમાં ગમે તેટલો સારો બોલર રહ્યો હોય પણ તેના માટે હાલના સમયમાં ટીમમાં સ્થાન મેળવવું અઘરૂ જ હતું. 

હરભજને એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હું એ રમતને અલવિદા કહી રહ્યો છું, જેણે મને જીવનમાં બધુ જ આપ્યું છે. તમામ સારી બાબતો હંમેશા સમાપ્ત થાય છે. હું એ તમામનો આભાર માનવા માગીશ કે જેમણે આ 23 વર્ષ લાંબી કેરિયરના પ્રવાસને શ્રેષ્ઠતમ અને યાદગાર બનાવ્યો છે. હરભજને 1998માં શારજાહમાં ન્યુઝીલેન્ડ સામેની વન ડેથી ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું અને તેણે ભારતીય ટીમ વતી ઢાકામાં યુએઇ સામે પોતાની છેલ્લી ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. હરભજનની કેરિયરનો હાઇ પોઇન્ટ ગણવામાં આવે તો તેણે 2001માં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ટેસ્ટ સીરિઝમાં 32 વિકેટ લીધી હતી. જેમાં એક હેટ્રિક પણ સામેલ છે, જે ટેસ્ટમાં કોઇ ભારતીય દ્વારા લેવાયેલી પહેલી હેટ્રિક રહી હતી. તેણે કહ્યું હતું કે દરેક ક્રિકેટરની જેમ મને પણ ફરી ભારત વતી રમવાની ખેવના હતી પણ નસીબમાં કંઇ બીજુ લખાયેલું હશે. હરભજને એવું પણ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી હું સક્રિય ક્રિકેટ રમતો ન હોવાથી અંતે મેં આ નિર્ણય લીધો હતો.

હરભજન ગત આઇપીએલ સિઝનમાં યુએઇમાં રમાયેલા તબક્કામાં એકપણ મેચ રમ્યો નહોતો. વળી છેલ્લા કેટલાક સમયથી તે કોઇ રીતે સક્રિય ક્રિકેટ સાથે સંકળાયેલો નહોતો અને તેના કારણે તેને પોતાને પણ એ ખબર જ હતી કે હવે ક્રિકેટની પીચ પર તેના કિલોમીટર પુરા થઇ ગયા છે અને તેના કારણે તેણે પોતાની કેરિયર સંકેલી લીધી. એવું માનવામાં આવે છે કે હરભજન હવે ક્રિકેટની પીચને બાય બાય કર્યા પછી નવા વર્ષે રાજકીય પીચ પર ઉતરશે. આમ તો તેના નવજોત સિંહ સિદ્ધુ સાથેના સંબંધોને જોતા એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ તરફથી તેને ખુલ્લું આમંત્રણ છે જ. જો કે જે રીતે તેણે ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય યોગ્ય સમયે લીધો છે તે રીતે રાજકારણમાં પ્રવેશવા માટે પણ તે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે, તો તે તેના માટે સારું ગણાશે.

Most Popular

To Top