સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે ધમાકેદાર બેટિંગ કરીને વિશાળ સ્કોર ઉભો કર્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં દિલ્હીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની શરૂઆતથી જ આક્રમક રમત જોવા મળી હતી. ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં જ ટીમને મજબૂત પાયો આપ્યો. બંનેએ કોઈ વિકેટ ગુમાવ્યા વગર પ્રથમ 6 ઓવરમાં 67 રન બનાવ્યા, જે ટીમ માટે એક શાનદાર શરૂઆત હતી. ખાસ કરીને અભિષેક શર્મા શરૂઆતથી જ ફોર્મમાં દેખાતા હતા અને બોલરો પર દબાણ બનાવી રાખ્યું.
અભિષેક શર્માએ આ મેચમાં કરિયર-બેસ્ટ ઇનિંગ રમી. તેણે માત્ર 47 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી અને આખરે 68 બોલમાં 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગા સામેલ હતા. અભિષેકે મેદાનના ચારેય બાજુ શોટ્સ ફટકારીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેની આ સદી IPLમાં તેની બીજી સદી છે, જ્યારે T20 ક્રિકેટમાં તેની કુલ 9મી સદી નોંધાઈ. નોંઘનીય છે કે આજે અભિષેક શર્માના પપ્પા પણ પોતાના પુત્રને ચિયર કરવા આવ્યા હતા અને એની આ ધમાકેદાર બેટિંગથી તેઓ પણ મંત્રમુગ્ઘ બની ગયા હતા. આ મહત્વની મેચમાં ટ્રેવિસ હેડે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને 37 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બંને વચ્ચે સારી ભાગીદારી થઈ હતી, પરંતુ અક્ષર પટેલે હેડને આઉટ કરીને દિલ્હીને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ કેપ્ટન ઈશાન કિશન 25 રન બનાવીને રનઆઉટ થયો, જે દિલ્હી માટે રાહતનો શ્વાસ હતો. પરંતુ બીજી બાજુ અભિષેક શર્મા અડગ રહ્યો અને તેણે સતત બાઉન્ડરી ફટકારીને સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો. હેનરિક ક્લાસેન સાથે તેની જોડી પણ મજબૂત રહી અને ટીમનો સ્કોર 200 પાર પહોંચાડ્યો. 17મી ઓવરમાં હૈદરાબાદે 200નો આંકડો પાર કર્યો, જે તેમની આક્રમક બેટિંગનો પુરાવો છે.
દિલ્હીના બોલરો માટે આ દિવસ મુશ્કેલ રહ્યો. લુંગી એન્ગિડીએ એકાદ ઓવરમાં રન રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોટાભાગના બોલરો પર હૈદરાબાદના બેટ્સમેનોએ દબદબો જમાવ્યો. ખાસ કરીને નીતિશ રાણાની એક ઓવરમાં 23 રન પડ્યા, જે મેચનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો. અંતે હૈદરાબાદે દિલ્હીને જીતવા માટે 243 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. આ સ્કોરને જોતા કહી શકાય કે દિલ્હી માટે આ મેચ જીતવી મુશ્કેલ રહેશે, જો કે T20 ક્રિકેટમાં કંઈ પણ શક્ય છે. હવે નજર દિલ્હીની બેટિંગ પર રહેશે. જો કેએલ રાહુલ, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા ખેલાડીઓ મોટી ઇનિંગ રમી શકે, તો મેચમાં રોમાંચ જળવાઈ રહેશે. પરંતુ હાલની સ્થિતિમાં હૈદરાબાદની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે.